Loading Please Wait !!!
દેશભરમાં 1000 થી વધુ ટોલ પ્લાઝા ટૂંક સમયમાં બનશે ઇતિહાસ: હાઇવે પર આવશે સેટેલાઇટ ટોલિંગ સિસ્ટમ

 

  • સેટેલાઇટ આધારિત બેરિયર-મુક્ત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ આખરી તબક્કામાં

  • દેશભરના નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પરથી 1080 ટોલ પ્લાઝાના બેરિયર્સ કાયમ માટે હટાવાશે

  • બેરિયર હટવાથી ખાલી થનારી 15 થી 20 હજાર એકર કિંમતી જમીનનું કોમર્શિયલાઇઝેશન થશે

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

દેશભરના રાષ્ટ્રીય રાજમાર્ગો (નેશનલ હાઇવે) અને એક્સપ્રેસ-વે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે લાંબી કતારો અને ટોલ બૂથનો સમય ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. કેન્દ્ર સરકાર દ્વારા ફાસ્ટેગ (FASTag) ની સફળતા બાદ હવે સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલિંગ સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આ આધુનિક સિસ્ટમ અમલમાં આવતાં જ દેશભરના 1,000 થી વધુ ટોલ પ્લાઝા કાયમ માટે ઇતિહાસ બની જશે અને વાહનો કોઈપણ જાતના બેરિયર વગર સીધા પસાર થઈ શકશે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ટોલ બેરિયર્સ હટાવી લીધા પછી ખાલી થનારી આશરે 15,000 થી 20,000 એકર જેટલી વિશાળ અને કિંમતી જમીનનો સદુપયોગ કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ એક મહત્વકાંક્ષી માસ્ટરપ્લાન તૈયાર કરી લીધો છે. હવે આ સ્થળો માત્ર મુસાફરીનો એક સાદો સ્ટોપ રહેવાને બદલે દેશના સૌથી મોટા હાઇવે રિટેલ માર્કેટ અને ક્લીન એનર્જી હબ તરીકે ઉભરી આવશે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત દેશભરના 1,080 ટોલ પ્લાઝાની જમીનને આધુનિક વે-સાઇડ એમેનિટિઝ (WSA) માં પરિવર્તિત કરવામાં આવશે. NHAI દ્વારા આ જમીનના પ્લોટ્સને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ (InvIT) અને 30 વર્ષના દીર્ઘકાલીન લીઝ મોડેલ હેઠળ અગ્રણી ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે.

આ નવી યોજના હેઠળ હાઇવે કિનારે વિશાળ ફૂડ કોર્ટ્સ, પ્રીમિયમ રેસ્ટોરન્ટ્સ, રિટેલ મોલ્સ, આધુનિક શૌચાલયો અને વિશાળ પાર્કિંગ ઝોન ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત તેને ક્લીન એનર્જી કોરિડોર તરીકે વિકસાવવા માટે સોલર પાવર પ્લાન્ટ્સ અને અદ્યતન ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સુપરફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન્સ સ્થાપિત કરાશે, જેનાથી મુસાફરોને વૈશ્વિક કક્ષાની સવલતો ઉપલબ્ધ બનશે.

દેશના 1000 ટોલ પ્લાઝા ઇતિહાસ બનશે

હાઇવે પર સેટેલાઇટ આધારિત બેરિયર-મુક્ત ટોલિંગ લાગુ થયા બાદ 1000 થી વધુ ટોલ પ્લાઝા બંધ થશે. NHAI તેનાથી ખાલી થનારી 15 થી 20 હજાર એકર જમીનને 30 વર્ષના લીઝ મોડેલ હેઠળ ખાનગી કંપનીઓને સોંપી રિટેલ અને ક્લીન એનર્જી કોરિડોર તરીકે વિકસાવશે, જ્યાં રેસ્ટોરન્ટ્સ અને ઇવી ચાર્જિંગ સુવિધાઓ મળશે.

ગ્રીન એનજીર્ને પ્રોત્સાહન, મહેસૂલની પ્રાપ્તિ
આ પગલું જ્યાં એક તરફ ગ્રીન એનજીર્ને પ્રોત્સાહન આપશે, ત્યાં બીજી તરફ સરકારને એકસાથે અગાઉથી જંગી મહેસૂલ પણ પ્રદાન કરશે. લાંબા ગાળાની લીઝ વ્યવસ્થા દ્વારા ખાનગી ડેવલપર્સને આમંત્રિત કરવામાં આવશે, જ્યાં એક જ છત નીચે સોલર ચાર્જિંગ ગ્રીડ, ફાસ્ટ EV ચાર્જિંગ સ્ટેશન, બેટરી સ્વેપિંગ, ઓન-સાઇટ સોલર રૂફટોપ પેનલ્સ, લક્ઝરી મોટેલ અને લોજિસ્ટિક્સ પાર્કનું વિશાળ માળખું તૈયાર થશે. આ પરિસરોમાં કગૠ, ઈગૠ અને ગ્રીન હાઇડ્રોજન રિફ્યુઅલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની યોજના છે.

આમાં લાંબા અંતરના ટ્રક ચાલકો અને કોમર્શિયલ ડ્રાઇવરો માટે વિશેષ વિશ્રામ ગૃહો, મેડિકલ સેન્ટર, શાાવર-વોશરૂમ અને સુરક્ષિત પાર્કિંગ લોટ્સ વિકસાવવામાં આવશે. મોટા ટોલ પ્લાઝાને માઇક્રો-લોજિસ્ટિક્સ પાર્ક્સમાં બદલવામાં આવશે.

બૂથ ઓપરેટરો, કર્મચારીઓના રોજગાર પર સંકટ 
ટોલ બૂથ હટવાથી સીધી રીતે ફાસ્ટેગ સ્કેનિંગ અથવા કેશ-મેન્યુઅલ મેનેજમેન્ટમાં લાગેલા બૂથ ઓપરેટરો અને કર્મચારીઓ સામે રોજગારનું સંકટ ઊભું થતું જોઈને, સરકાર નવી કોમર્શિયલ હબ્સમાં સ્થાનિક અને પૂર્વ ટોલ કર્મચારીઓને પ્રાથમિકતાના આધારે રોજગાર આપવાની જોગવાઈ લીઝ શરતોમાં જોડશે.

અન્ય દેશોમાં આ વ્યવસ્થા છે 
સિંગાપુરની ERP સિસ્ટમ : સિંગાપુર દુનિયાનો પહેલો દેશ હતો જેણે 1988 માં ઇલેક્ટ્રોનિક રોડ પ્રાઇસિંગ લાગું કર્યું. ત્યાં કોઈ ટોલ પ્લાઝા નથી, માત્ર સસ્પેન્ડેડ ગેન્ટ્રી છે. જૂની જગ્યાઓનો ઉપયોગ ગ્રીન ઝોન તરીકે કરવામાં આવ્યો.
યુરોપ : જર્મનીએ ભારે વાહનો માટે ટોલ કલેક્શન (GPS આધારિત) અને ઓટોપાસ લાગુ કર્યું. ત્યાં ભૌતિક ટોલ પ્લાઝા પૂરી રીતે હટાવી દેવામાં આવ્યા. તે જમીનોને સર્કિટ રેસ્ટ એરિયામાં બદલવામાં આવી.
અમેરિકા : અમેરિકાનાં ન્યૂયોર્ક અને કેલિફોર્નિયા જેવા રાજ્યોમાં ટોલ બૂથ પૂરી રીતે સમાપ્ત કરી દેવામાં આવ્યા છે. ખાલી જમીનોને સોલર એનર્જી પાર્ક્સ અને લોજિસ્ટિક્સ બફર ઝોન તરીકે પુનઃવિકસિત કરવામાં આવ્યાં છે.