નવરાત્રિમાં નોન-વેજ ન ખાવાની ધીરેન્દ્ર શાસ્ત્રીની સલાહ પર વિવાદ: બંગાળ ભાજપ પ્રમુખ મેદાને
-
હાવડાના લિલુઆમાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ નવરાત્રિમાં શાકાહારી બનવા કરી હતી અપીલ
-
બંગાળ ભાજપ પ્રમુખે કહ્યું- વિવેકાનંદે પણ મા કાળીને મટન ચડાવવાનો ઉલ્લેખ કર્યો હતો
-
પશ્ચિમ બંગાળના લોકો શું ખાય તે અંગે કોઈ પક્ષ કે બાબા ફરમાન જારી કરી શકે નહીં
સિટી ન્યુઝ @ કોલકાતા
બાગેશ્વર ધામના મુખ્ય પૂજારી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા પશ્ચિમ બંગાળના હાવડા જિલ્લા સ્થિત લિલુઆમાં આયોજિત ત્રણ દિવસીય હનુમંત કથા દરમિયાન કરવામાં આવેલી એક ટિપ્પણીથી મોટો વિવાદ સર્જાયો છે. તેમણે હિન્દુઓને નવરાત્રિ અને આગામી દુર્ગા પૂજા મહોત્સવ દરમિયાન સંપૂર્ણપણે શાકાહારી ભોજન અપનાવવાની અપીલ કરી હતી. આ નિવેદન સામે આવતાં જ પશ્ચિમ બંગાળના રાજકીય અને સામાજિક ક્ષેત્રે તીવ્ર વિરોધ શરૂ થયો છે અને વિપક્ષોએ તેને બંગાળી અસ્મિતા તેમજ પરંપરાનું અપમાન ગણાવ્યું છે.
આ વિવાદમાં પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ સામિક ભટ્ટાચાર્યે ખુલ્લેઆમ સામે આવીને આ અપીલને સ્પષ્ટ શબ્દોમાં ફગાવી દીધી છે. તેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના જણાવ્યું કે બંગાળીઓ માછલી અને માંસ કેમ ન ખાઈ શકે? ખુદ સ્વામી વિવેકાનંદે પણ ઉલ્લેખ કર્યો હતો કે મા કાળીને મટનનો ભોગ ધરાવવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ બંગાળી સંસ્કૃતિ કે વિવેકાનંદથી ઉપર જઈ શકે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યના લોકો શું ખાશે કે શું પહેરશે તે અંગે કોઈ રાજકીય પક્ષ કે સાધુ-સંતો ફરમાન જારી કરી શકે નહીં.
આ પ્રકરણ પર દેશના અગ્રણી બુદ્ધિજીવીઓએ પણ આકરી પ્રતિક્રિયા આપી છે. જાણીતા પત્રકાર અભિજીત મજૂમદાર અને પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલે સોશિયલ મીડિયા પર તર્ક રજૂ કરતાં જણાવ્યું કે માંસ શાક્ત પરંપરાનો મહત્વપૂર્ણ ભાગ છે. પ્રાચીન બંગાળી પરંપરા અનુસાર દુર્ગા પૂજામાં મા દુર્ગાને ભોગ ચડાવતી વખતે માંસાહારનો સમાવેશ થાય છે અને આ ધાર્મિક આસ્થામાં કોઈ બહારની વ્યક્તિની દખલગીરી સ્વીકાર્ય નથી.
નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં આ વર્ષે દુર્ગા પૂજા 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી ધામધૂમથી ઉજવાશે અને તમામ મૂર્તિ વિસર્જન 24 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાની સરકારી ગાઈડલાઈન જારી કરાઈ છે. ઉત્તર ભારતથી વિપરીત બંગાળમાં આશરે 99 ટકા વસ્તી માંસાહારી છે અને નવરાત્રિ દરમિયાન પણ માછલી-માંસ ખાવું સામાન્ય પરંપરાનો હિસ્સો મનાય છે, જેના લીધે આ નિવેદને મોટો રાજકીય રંગ પકડ્યો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર વિવાદ
હાવડામાં કથા દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીએ નવરાત્રિમાં શાકાહાર અપનાવવા અપીલ કરતાં વિવાદ સર્જાયો છે. બંગાળ ભાજપ પ્રમુખ સામિક ભટ્ટાચાર્યે આ નિવેદનને નકારી જણાવ્યું કે સ્વામી વિવેકાનંદે પણ શાક્ત પરંપરા સ્વીકારી હતી, તેથી લોકો શું ખાય તે કોઈ સાધુ નક્કી ન કરી શકે. બુદ્ધિજીવીઓએ પણ આ નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે.