Loading Please Wait !!!
પીએમ મોદીના જન્મદિવસે ભાજપનું 'સેવા સંકલ્પ અભિયાન': 17 સપ્ટેમ્બરથી એક મહિનો કાર્યક્રમો ચાલશે

  • ભાજપ દર વર્ષના સેવા પખવાડિયાને બદલે આ વખતે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી આખો મહિનો ઉજવશે

  • 'એક દીયા આશીર્વાદ કા' કાર્યક્રમ હેઠળ કરોડો લાભાર્થીઓ વડાપ્રધાનને જનસેવા માટે આશીર્વાદ પાઠવશે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ આયોજન

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી જન્મદિન 17 સપ્ટેમ્બર નિમિત્તે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા દેશભરમાં એક મહિના સુધી ચાલનારા ભવ્ય 'સેવા સંકલ્પ અભિયાન' માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. સામાન્ય રીતે ભાજપ દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસે સેવા સપ્તાહ કે સેવા પખવાડિયાનું આયોજન કરતું હોય છે, પરંતુ આ વખતે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી સમગ્ર માસ દરમિયાન વિશેષ 'સેવા સંકલ્પ મહિનો' મનાવવામાં આવશે.

આ સેવા અભિયાન અંતર્ગત એક અનૂઠો રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ 'એક દીયા આશીર્વાદ કા' આયોજિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના કરોડો લાભાર્થીઓ પોતાના ઘરે કે જાહેર સ્થળોએ દીવો પ્રગટાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દીર્ઘાયુષ્ય અને અવિરત જનસેવા માટે શુભકામનાઓ તેમજ આશીર્વાદ પાઠવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં લગભગ 125 જેટલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનું સફળ સંચાલન થઈ રહ્યું છે. આ યોજનાઓથી લાભાન્વિત થયેલા દેશના કરોડો નાગરિકો આ દીપ પ્રગટાવવાના અભિયાનમાં સહભાગી બનશે.

આ ઉપરાંત, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સાર્વજનિક અને બંધારણીય પદો પર રહીને લોકસેવાના 25 વર્ષ પણ પૂર્ણ થઈ રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા તેમના જનસેવાના 25 વર્ષની ઉપલબ્ધિઓને ઉજાગર કરતા વિશેષ કાર્યક્રમો, પ્રદર્શનો અને વિવિધ સેવાકીય કાર્યોનું દેશભરમાં આયોજન હાથ ધરવામાં આવશે.

પીએમ મોદીના જન્મદિવસે 'સેવા સંકલ્પ અભિયાન'

વડાપ્રધાન મોદીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરથી ભાજપ એક મહિના માટે 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરશે. આ અંતર્ગત 'એક દીયા આશીર્વાદ કા' કાર્યક્રમ હેઠળ કેન્દ્રની 125 યોજનાઓના કરોડો લાભાર્થીઓ દીવો પ્રગટાવી શુભકામના પાઠવશે. વડાપ્રધાનની 25 વર્ષની જનસેવા નિમિત્તે દેશભરમાં 17 ઓક્ટોબર સુધી વિશેષ સેવાકીય કાર્યક્રમો યોજાશે.

કેન્દ્રીય યોજનાઓના લાભાર્થી
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના દેશમાં લગભગ 81.35 કરોડ લાભાર્થી છે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અત્યાર સુધીમાં 41 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ બનાવાયા છે.

 ભાજપે ત્રણ મોટા નેતાઓની ટીમની રચના કરી
આ માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ત્રણ મોટા નેતાઓની કેન્દ્રીય ટીમની રચના કરી છે, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ડી.પુરંદેશ્વરી અને વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીને સામેલ કરાયા છે. રાજયોમાં પણ ગ્રામ્ય સ્તર સુધી ટીમ બનાવાઈ છે. આ અભિયાનથી ભાજપ કાર્યકર્તા વધુને વધુ ઘર સુધી પહોંચવાના પ્રવાસમાં લાગી ગયા છે.