Loading Please Wait !!!
મુંબઈમાં ગણેશોત્સવમાં કોમી રમખાણો થવાની શક્યતા : રાજ ઠાકરે

રાજ ઠાકરેનો ચોંકાવનારો દાવો

હિન્દુ અને મુસ્લિમ સમુદાયના નાગરિકોને સતર્ક રહેવા કહ્યું

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

દહીહંડીની ઉજવણી દરમ્યાન સ્ટેજ પર થતા અશ્લીલ ડાન્સની કડક ટીકા કરીને રાજ ઠાકરેએ પ્રશ્ન કર્યો હતો કે 'તમે અહીં ઉત્તર ભારતીય સંસ્કૃતિ કેમ લાવી રહ્યા છો? કાર્યક્રમોમાં આવા ડાન્સ ઉત્તર પ્રદેશ અને બિહારમાં થાય છે, આપણે એને આપણા પોતાના તહેવારોમાં કેમ સમાવવા જોઈએ?'

થાણેમાં ગઈ કાલે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરેએ પાર્ટીના કાર્યકર્તાને સંબોધ્યા હતા. એમાં તેમણે દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં ગુસ્સો પેદા કરવામાં આવી રહ્યો છે અને લોકોને જાતિ અને ધાર્મિક વિવાદોમાં ફસાવવામાં આવી રહ્યા છે. એ પગલે રાજ ઠાકરેએ ગણેશોત્સવમાં કોમી રમખાણો થવાની શક્યતા પણ દર્શાવી હતી.ગણેશોત્સવમાં કોમી રમખાણની સંભાવના જતાવીને રાજ ઠાકરેએ હિન્દુ અને મુસ્લિમ બન્ને સમુદાયના નાગરિકોને સતર્ક રહેવા અને

સામાજિક-આર્થિક પડકારોથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે ધાર્મિક સંઘર્ષ ઉશ્કેરવા માટે રથવામાં આવેલા ફંદાંમાં ન ફસાવાની વિનંતી કરી હતી.

રાજ ઠાકરેએ કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે 'આજે તમને બોલાવા છે કારણ કે મને કેટલાંક જોખમો જણાઈ રહ્યા છે. તમને બધાને જાણીજોઈને ગૂંચવી નાખવાનો પ્રયાસ થઈરહ્યો છે. અત્યારે તમે જુઓ તો દેશમાં ધાર્મિક ગાંડપણ દેખાઈ રહ્યું છે. ભગવાન પર શ્રદ્ધા, ધર્મનું અભિમાન હોય ત્યાં સુધી સમજી શકાય, પણ ગાંડપણ નહીં. હવે દેશભરમાં એક ચોક્કસ પ્રકારનું વાતાવરણ તૈયાર કરાઈ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને અન્ય માધ્યમો દ્વારા એ તમારા સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. તમારામાં એક ગુસ્સો ઊભો કરાઈ રહ્યો છે જેને કારણે અન્ય બાબતો તરફ બેધ્યાન બની જાઓ અને પ્રશ્નો ઉઠાવતા બંધ થઈ જાઓ. ગણેશોત્સવમાં પણ કોઈને ઘુસાડીને આ લોકો રમખાણો કરાવશે અને આપણા છોકરાઓ ફસાશે એટલે સતર્ક રહેજો.'

બાપ્પાને વિદાય કરવાનું દુઃખ હોવું જોઈએ, DJ વગાડીને નાચો છો કેમ? : રાજ ઠાકરે

તહેવારોમાં DJ અને ડોલ્બી સિસ્ટમ બાબતે પણ રાજ ઠાકરેએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે 'તહેવારો ઉજવો, પણ ડોલ્બી અને ડિસ્ક જોકી (DJ)નો ઉપયોગ કેમ કરો છો? આપણી પરંપરા મુજબ તહેવારો કેમ ઉજવવામાં આવતા નથી? તમે ગણપતિને આટલી ભક્તિથી ઘરે લાવો છો છતાં વિસર્જન દરમ્યાન નાચો છો એ કેવો આનંદ છે? હું મારા ઘરે દોઢ દિવસ માટે ગણપતિનું આયોજન કરું છું. આપણે જ્યારે મૂર્તિ લઈ જઈએ ત્યારે ઘર ખાલી લાગે છે. એમાં DJ વગાડીને આપણે આનંદ મેળવીને ડાન્સ કેવી રીતે કરી શકીએ?'