15 સપ્ટેમ્બર પછી UPI-QR પેમેન્ટ અટકી જશે?: RBI ના Re-KYC નિયમથી વેપારીઓમાં ફફડાટ
-
રિઝર્વ બેંકના નિયમો મુજબ તમામ વેપારીઓએ 15 સપ્ટેમ્બર સુધીમાં વેરિફિકેશન કરાવવું ફરજિયાત
-
નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂરી નહીં થાય તો દુકાનદારોના QR કોડ આધારિત પેમેન્ટ બંધ થઈ શકે
-
દેશની સમગ્ર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચાલુ રહેશે, માત્ર અધૂરા KYC વાળા વેપારીઓ જ પ્રભાવિત થશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
ભારતમાં ચાની નાની લારીથી લઈને મોટા મોલ સુધી ડિજિટલ પેમેન્ટ અને QR કોડ લોકોના રોજિંદા જીવનનું અભિન્ન અંગ બની ચૂક્યા છે. પરંતુ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની એક નિર્ધારિત ડેડલાઇનને કારણે હવે દેશભરના લાખો નાના વેપારીઓ અને તેમના નિયમિત ગ્રાહકોની ચિંતામાં મોટો વધારો થયો છે. RBI ના નિયમ અનુસાર મર્ચન્ટ્સ માટે 'રી-કેવાયસી' (Re-KYC) કરાવવાની અંતિમ તારીખ 15 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. જો આ સમયમર્યાદા સુધીમાં નાના વેપારીઓનું વેરિફિકેશન પૂર્ણ નહીં થાય, તો તેમના QR કોડ મારફતે થતી ઓનલાઇન ચુકવણીઓ સ્થગિત થઈ શકે છે.
રિઝર્વ બેંકના નિયમો મુજબ બેંકો અને પેમેન્ટ એગ્રીગેટર્સ દ્વારા તમામ વેપારી ખાતાઓની વિગતો સમયાંતરે અપડેટ કરવી ફરજિયાત છે. જોકે, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર અને ફિનટેક કંપનીઓનું કહેવું છે કે હજુ પણ લાખો લારી-ગલ્લા અને નાના દુકાનદારોનું વેરિફિકેશન બાકી છે. એક અંદાજ અનુસાર, દેશભરના આશરે 10 લાખ નાના વેપારીઓ અને લગભગ 30 થી 35 ટકા લારી-ગલ્લાવાળા વિક્રેતાઓ જોખમ હેઠળ છે. વર્તમાન ઝડપ જોતાં 15 સપ્ટેમ્બર સુધીમાં માત્ર 80 ટકા વેરિફિકેશન પૂરું થઈ શકે તેમ છે. આ જ કારણોસર ફિનટેક ઇન્ડસ્ટ્રીએ RBI સમક્ષ મુદત લંબાવી આપવા રજૂઆત કરી છે.
જો કોઈ દુકાનદારનું વેરિફિકેશન સમયસર નહીં થાય તો તેનો QR કોડ અસ્થાયી રૂપે નિષ્ક્રિય થઈ શકે છે. આવી સ્થિતિમાં ખરીદી માટે પહોંચેલા ગ્રાહકો UPI થી પેમેન્ટ કરી શકશે નહીં અને તેમણે ફરજિયાતપણે રોકડ રકમ ચૂકવવી પડશે અથવા નેટ બેંકિંગ જેવા વૈકલ્પિક રસ્તા અપનાવવા પડશે. જોકે, આનાથી સમગ્ર દેશનું ડિજિટલ પેમેન્ટ માળખું ઠપ્પ થવાનું નથી. મોટા સુપરમાર્કેટ્સ અને નિયમિત વેરિફાઈડ મર્ચન્ટ્સની પેમેન્ટ સેવાઓ સામાન્ય રીતે અવિરત ચાલુ જ રહેશે.
હાલ પૂરતું ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીના પગલારૂપે નાના બજારો કે શાકભાજીની લારીઓ પરથી ખરીદી કરતી વખતે ખિસ્સામાં થોડા રોકડા રૂપિયા રાખવા હિતાવહ રહેશે. હવે સૌની નજર રિઝર્વ બેંક આ સમયમર્યાદા લંબાવે છે કે નહીં તે નિર્ણય પર ટકેલી છે.
15 સપ્ટેમ્બર પછી QR પેમેન્ટ પર સંકટ
RBI ના નિયમ મુજબ 15 સપ્ટેમ્બર સુધીમાં મર્ચન્ટ્સ માટે Re-KYC પૂર્ણ કરવું જરૂરી છે. આ પ્રક્રિયા પૂરી નહીં કરનારા અંદાજે 10 લાખ નાના વેપારીઓના QR કોડ બંધ થવાની શક્યતા છે. પેમેન્ટ કંપનીઓએ સમયમર્યાદા વધારવા માંગ કરી છે. સમગ્ર દેશનું UPI બંધ નહીં થાય, પરંતુ નાના બજારોમાં ખરીદી માટે રોકડ રાખવી ઉપયોગી બનશે.