કાઠિયાવાડી સંસ્કૃતિની છાપ એટલે પ્રસિદ્ધ તરણતરનો મેળો સોમવારથી શરૂ
- તૈયારી પૂર્ણ : 105 કર્મીઓ, 24 કલાક ફરજ પર તૈનાત
- 25 પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ ઝળકશે
- મેળામાં જામશે લોકકળાના મહારંગ
- લોકગીત, ભજન, દુહા-છંદ, લોકનૃત્ય, વાદન, હસ્તકલા અને વેશભૂષા
સિટી ન્યૂઝ@સુરેન્દ્રનગર
વિશ્વખ્યાત તરણતરનો લોકમેળો આ વર્ષે પણ સાંસ્કૃતિક રંગોથી ઝળહળી ઊઠશે. આ મેળો ગુજરાતની ભાતીગળ લોકસ્કૃતિ, કલા અને પરંપરાઓનું જીવંત દર્શન કરાવે છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીએ ત્રીજી ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કર્યું છે. આ સ્પર્ધાઓ ૧૪થી ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. તેમાં લોકગીત, ભજન, દુહા-છંદ, લોકનૃત્ય, પરંપરાગત વાદન, હસ્તકલા અને વેશભૂષા સહિતની વિવિધ કલાઓનો સંગમ જોવા મળશે. ગ્રામ્ય કલાકારોને પોતાની આગવી કલા-કૌશલ્ય રજૂ કરવાની અનોખી તક મળશે.
તરણતરના મેળાને સાંસ્કૃતિક સ્વરૂપ આપવા માટે આ સ્પર્ધાઓ ત્રીજી વખત યોજાઈ રહી છે. રાવણહથ્થો, શરણાઈ, ડાક-ડમરુથી રાસ-હુડા અને છત્રી સજાવટ જેવી લુપ્ત થઈ રહેલી લોકકલાઓને જીવંત રાખવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ખાસ પ્રયાસ કરી રહ્યું છે. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાંથી પેઢીઓથી સચવાયેલી કલાઓનો યોગ્ય મંચ આપવાનો, કલાકારોને પ્રોત્સાહિત કરવાનો અને વિસરાતી જતી લોકકલાઓનું જતન કરવાનો છે. ગુજરાત સરકાર લોકકળા અને યુવા પ્રતિભાના સંવર્ધન માટે વિવિધ સ્પર્ધાઓ, તાલીમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. કલાકારોને રજૂઆત માટેનું મંચ, સ્પર્ધાત્મક તક, સન્માન અને પુરસ્કાર ઉપરાંત મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પોતાની કલા રજૂ કરવાની તક આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં 30 દિવસ લાગે છે
5 હજારથી 11 હજાર સુધીની કિંમત
થાનગઢના તરણતર ગામે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે યોજાતો ભાતીગળ તરણતરીયો મેળો દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે કાઠિયાવાડી સંસ્કૃતિને ઓળખ આપતા આ પહેરવેશની મેળામાં સારી એવી માંગ રહેશે તેવી વેપારીઓને આશા છે. એક પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસ તૈયાર કરવામાં આશરે ૧ મહિના જેટલો સમય લાગે છે. આ ખાસ પોશાકની કિંમત રૂ.૫૦૦૦થી લઈને ૧૧૦૦૦ સુધીની હોય છે. થાનગઢ નજીક યોજાતા વિશ્વપ્રસિદ્ધ તરણતરના ભાતીગળ મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતવર્ષની અને ખાસ કરીને કાઠિયાવાડની અમૂલ્ય સંસ્કૃતિને જીવંત રાખવા લોકો આતુર બન્યા છે. તરણતરના મેળામાં વિવિધ જ્ઞાતિના લોકો પોતાનો ભાતીગળ અને પારંપરિક પહેરવેશ પહેરીને ઉમટી પડે છે. મેળાની સીઝન દરમિયાન પરંપરાગત પોશાક, ભાતીગળ છત્રીઓ અને એસેસરીઝના વેચાણ થકી સ્થળ પર અને બજારમાં થઈને અંદાજે રૂ. ૫૦ લાખથી ૧ કરોડથી વધુનો કારોબાર થાય છે.
4 મહિનાના પરિશ્રમથી બને છે 1 છત્રી
11 વાર પ્રથમ અને 3 વાર દ્વિતીય નંબર મેળવી સંસ્કૃતિને જીવંત રાખી
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ નજીક યોજાતો વિશ્વવિખ્યાત તરણતરનો મેળો પોતાની રંગબેરંગી ભરતકામ વાળી છત્રીઓ અને ભાતીગળ સંસ્કૃતિ માટે ઓળખાય છે. આ આધુનિક યુગમાં પણ ગામડાને જીવંત રાખવા સતત મહેનત કરી રહ્યા છે. આવી જ કારીગરનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે દેરાળા ગામના રણછોડભાઈ પ્રેમજીભાઈ ધરજીયા. રણછોડભાઈ જ્યારે મેળામાં ફરવા જતા ત્યારે તેમના મિત્ર અને મનકાસર ગામના કેશુભાઈએ હાથે બનાવેલી છત્રીઓ સાથે સ્પર્ધામાં ભાગ લેતા હતા.