Loading Please Wait !!!
પેપર કપમાં ગરમ ચા-કોફી પીતાં સાવધાન: શરીરમાં જઈ રહ્યા છે લાખો નેનોપ્લાસ્ટિક કણો

 

  • ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ PLA અને PE લાઇનિંગ ધરાવતા પેપર કપનું કર્યું પરીક્ષણ

  • PLA લાઇનિંગવાળા કપમાંથી પ્રતિ મિલીલીટર આશરે 43 લાખ નેનોપ્લાસ્ટિક કણો મુક્ત થયા

  • PE લાઇનિંગ કપની સરખામણીએ PLA કપમાંથી પ્લાસ્ટિકનું દ્રવ્યમાન 12 ગણું વધુ નોંધાયું

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

રોજિંદા જીવનમાં ઓફિસ હોય કે ચાની કીટલી, પેપર કપમાં ગરમ ચા કે કોફી પીવાનું ચલણ ખૂબ સામાન્ય બની ગયું છે. પ્લાસ્ટિકના કપના સુરક્ષિત વિકલ્પ તરીકે તેમજ પર્યાવરણને અનુકૂળ માનીને લોકો પેપર કપનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના એક તાજેતરના વૈજ્ઞાનિક સંશોધને તેની સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે.

ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં બહાર આવ્યું છે કે પેપર કપ પ્રવાહીને રોકી રાખવા માટે જે આંતરિક લાઇનિંગ ધરાવે છે, તે ગરમ પીણાના સંપર્કમાં આવતાં જ અત્યંત સૂક્ષ્મ નેનોપ્લાસ્ટિક કણો છોડવા લાગે છે. સંશોધન દરમિયાન બજારમાં સૌથી વધુ વપરાતા પોલિલેક્ટિક એસિડ (PLA) અને પોલિઇથિલીન (PE) લાઇનિંગ વાળા પેપર કપની ચકાસણી કરવામાં આવી હતી.

પ્રયોગશાળાના પરિણામો અત્યંત ચોંકાવનારા છે. ગરમ પ્રવાહી ભરતાં જ PLA લાઇનિંગવાળા કપમાંથી પ્રતિ મિલીલીટર આશરે 43 લાખ જેટલા નેનોપ્લાસ્ટિક કણો અને PE લાઇનિંગવાળા કપમાંથી આશરે 27 લાખ કણો છૂટા પડીને પ્રવાહીમાં ભળી ગયા હતા.

વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે સામાન્ય રીતે ઇકો-ફ્રેન્ડલી અને બાયોડિગ્રેડેબલ ગણાવાતા PLA કપમાંથી નીકળતા પ્લાસ્ટિકનું કુલ દ્રવ્યમાન PE કપની તુલનામાં 12 ગણું વધારે જોવા મળ્યું હતું. મોટાભાગના પેપર કપ પાણી કે ગરમ ચાથી ગળી ન જાય તે માટે તેની અંદર આ પ્રકારનું પોલીમર કોટિંગ હોય છે, જે ગરમી મળતાં સીધું માનવ શરીરમાં પ્રવેશી સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઊભો કરે છે.

પેપર કપમાં ગરમ ચા પીવી હાનિકારક

ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધન મુજબ, પેપર કપમાં ગરમ ચા-કોફી રેડવાથી અંદરનું લાઇનિંગ પીગળીને પ્રતિ મિલી 27 થી 43 લાખ નેનોપ્લાસ્ટિક કણો છોડે છે. જેને ઇકો-ફ્રેન્ડલી ગણવામાં આવે છે તેવા PLA કપમાંથી 12 ગણું વધુ પ્લાસ્ટિક દ્રવ્ય છૂટું પડતું હોવાનું બહાર આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

શરીર પર અસરને લઈને ચિંતા
પર્યાવરણ નિષ્ણાત પ્રીતિ મહેશના જણાવ્યાં અનુસાર, નેનોપ્લાસ્ટિકના નાના કદને કારણે તે શરીરમાં પહોંચવાની ચિંતા છે. સોજો, ઓક્સિડેટિવ સ્ટ્રેસ અને કોષીય ક્ષતિ જેવા સંભવિત પ્રભાવો સામે આવ્યાં છે. જોકે, આના કારણે કોઈ બીમારીની સીધી પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

પ્લાસ્ટિક કચરો પણ પડકાર
પ્લાસ્ટિક વેસ્ટ એક્સપર્ટ સ્વાતિ આર્યાના જણાવ્યાં મુજબ, અંદર પ્લાસ્ટિકનું પડ હોવાનાં કારણે પેપર કપ એ પ્લાસ્ટિક કચરાની સમસ્યાનો પૂરેપૂરો ઉકેલ નથી.
* દિલ્હીમાં રોજ આશરે 1,155 ટન પ્લાસ્ટિક કચરો નીકળવાનું અનુમાન છે, 
* દિલ્હીમાં 939 ટન પ્રતિદિન નિકાલ કરવાની ક્ષમતા છે 

સ્ટીલ-કાચ વધુ સારો વિકલ્પ
CSE ના સિદ્ધાર્થ ઘનશ્યામ સિંહનાં જણાવ્યાં અનુસાર, સ્ટીલ, કાચ કે સિરેમિકના વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા કપ વધુ સારો વિકલ્પ છે. દુકાનો પર કુલ્હડ (માટીના કપ) નો પણ ઉપયોગ થઈ શકે છે.

પહેલાં પણ ઊઠ્યા હતા સવાલો
 2020 ની આઈઆઈટી ખડગપુરની સ્ટડીમાં ગરમ પ્રવાહીને પેપર કપમાં રાખવા પર માઇક્રોપ્લાસ્ટિક કણ નીકળવાની વાત સામે આવી હતી.