OpenAI લાવ્યું ટીનેજર્સ માટે સુરક્ષિત ChatGPT વર્ઝન
-
13 થી 17 વર્ષની વયજૂથના યુઝર્સ માટે ટીન મોડલ આપમેળે સક્રિય થઈ જશે
-
હિંસા, સેલ્ફ-હાર્મ અને અયોગ્ય કન્ટેન્ટ પર કડક સેફગાર્ડ્સ લાગુ રહેશે
-
યુઝર્સના ઉપયોગની રીત અને એકાઉન્ટ વિગતો પરથી અંડરએજ યુઝરની ઓળખ થશે
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
આજના આધુનિક ડિજિટલ યુગમાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) નો વ્યાપક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે બાળકો AI નો ઉપયોગ કરતી વખતે કોઈ ભ્રામક, અયોગ્ય કે હિંસક સામગ્રીના સંપર્કમાં ન આવે તે અંગે વાલીઓ સતત ચિંતા સેવતા હતા. આ ચિંતાઓને ધ્યાને રાખીને ChatGPT ની નિર્માતા કંપની OpenAI એ કિશોરો અને બાળકોની ઓનલાઇન સુરક્ષા માટે ખાસ પેરેન્ટલ કન્ટ્રોલ ધરાવતું 'ChatGPT for Teens' મોડલ સત્તાવાર રીતે લોન્ચ કર્યું છે.
આ નવું સેફ્ટી ફીચર 13 થી 17 વર્ષની વયજૂથ ધરાવતા તમામ રજિસ્ટર્ડ યુઝર્સ માટે આપમેળે સક્રિય થઈ જશે. આ ઉપરાંત કંપની યુઝર્સના પ્રશ્નો પૂછવાની શૈલી, સર્ચ પેટર્ન અને એકાઉન્ટની જૂની વિગતોનું વિશ્લેષણ કરીને પણ અંડરએજ યુઝર્સની આપમેળે ઓળખ કરશે અને તેમના એકાઉન્ટમાં ટીન મોડ લાગુ કરી દેશે. આ પદ્ધતિથી કોઈ સગીર ખોટી જન્મતારીખ દર્શાવીને પણ સુરક્ષા પ્રોટોકોલમાંથી બચી શકશે નહીં.
સગીર યુઝર્સના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે તેવા વિષયો જેવા કે સેલ્ફ-હાર્મ, હિંસક પ્રવૃત્તિઓ, ઇટિંગ ડિસઓર્ડર્સ અને ગ્રાફિક સેક્સ્યુઅલ કન્ટેન્ટ પરના પ્રતિબંધો આ મોડલમાં વધુ કડક રીતે અમલમાં મૂકવામાં આવ્યા છે. સિસ્ટમ આવા કોઈપણ સંવેદનશીલ વિષય પર માહિતી આપવાનો તાત્કાલિક ઇનકાર કરશે અને જરૂર પડ્યે યોગ્ય હેલ્પલાઇન રિસોર્સિસ પૂરા પાડશે.
OpenAI દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે કંપની વૈશ્વિક સ્તરે અનેક કાનૂની મુશ્કેલીઓ અને નિયમનકારી તપાસનો સામનો કરી રહી છે. 16 વર્ષીય એડમ રેન નામના કિશોરના માતા-પિતાએ કંપની સામે ગંભીર કેસ દાખલ કર્યો હતો, જેમાં આરોપ મુકાયો હતો કે તેમના પુત્રએ ચેટબોટ દ્વારા દર્શાવાયેલી રીતોનો ઉપયોગ કરીને આત્મહત્યા કરી લીધી હતી. આ ગંભીર ઘટના બાદ AI પ્લેટફોર્મ્સની જવાબદારી સામે મોટા પ્રશ્નો ઊભા થયા હતા.
આવી ગંભીર ઘટનાઓને પગલે યુએસ ફેડરલ ટ્રેડ કમિશન (FTC) એ ડિજિટલ કમ્પેનિયન તરીકે કામ કરતા AI ચેટબોટ્સ બાળકો અને કિશોરો પર કેવા પ્રકારની નકારાત્મક માનસિક અસરો ઊભી કરે છે તે અંગે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. OpenAI ની આ નવી પહેલથી વાલીઓનો વિશ્વાસ પુનઃ સ્થાપિત કરવાનો અને સાયબર સ્પેસમાં સગીરો માટે સુરક્ષિત AI વાતાવરણ પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
બાળકો માટે નવું સેફ્ટી ફીચર લોન્ચ
OpenAI એ 13 થી 17 વર્ષના કિશોરો માટે 'ChatGPT for Teens' મોડલ રજૂ કર્યું છે, જે હિંસા અને અયોગ્ય વિગતોને આપમેળે બ્લોક કરશે. અંડરએજ એકાઉન્ટ્સ પર કડક સેફગાર્ડ્સ લાગુ થશે. આત્મહત્યા સંબંધિત કાનૂની કેસો અને નિયમનકારી દબાણ વચ્ચે કંપનીએ વાલીઓની ચિંતા દૂર કરવા અને બાળકોની સુરક્ષા વધારવા આ સુવિધા આપી છે.