ધારી ગીર પૂર્વ વનવિભાગની મોટી કાર્યવાહી: 4 માસમાં 75 ગુના નોંધ્યા
» નિયમો તોડનારા પાસેથી 13.30 લાખની દંડનીય વસૂલાત કરતી વનવિભાગની ટીમ
સિટી ન્યૂઝ@અમરેલી
ગીર પૂર્વ વનવિભાગ દ્વારા છેલ્લા ૪ માસ દરમિયાન અભયારણ્ય અને વનવ્યજીવ સંરક્ષણને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના કુલ ૭૫ ગુના નોંધવામાં આવ્યા છે અને નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી કુલ ૧૩,૩૦,૬૦૦ નં દંડ વસૂલવામાં આવ્યો છે.
અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશના ૩૮ ગુના નોંધાયા છે, જેમાં નિયમ મુજબ કાર્યવાહી કરી ૭,૭૬,૪૦૦નો દંડ વસૂલાતો છે. જ્યારે શિકારને લગતા ૮ ગુના નોંધાયા છે. તેમાંથી ૪ કેસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી ચાલુ છે, જ્યારે અન્ય ૪ કેસમાં ૨,૨૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે.
વનવિભાગની મંજૂરી અથવા માન્ય ટ્રાન્જિટ પાસ વિના લાકડાની હેરેફર કરનારાઓ સામે ૧૬ ગુના નોંધવામાં આવ્યા હતા. આ કેસોમાં કાર્યવાહી કરી ૩,૦૩,૦૦૦નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો ફેંકવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા ચરિયાણ કરાવવાના ૧૭ ગુના નોંધ્રી ૩૨,૫૦૦નો દંડ વસૂલાતો છે, ગીર પૂર્વ વનવિભાગે સ્પષ્ટ કર્યું છે કે સિંહ સહિતના વનવ્યજીવોની પજવણી, ગેરકાયદેસર શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં અનધિકૃત પ્રવેશ તથા વનસ્પતિની ગેરકાયદેસર હેરફેર જેવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં, આવી પ્રવૃત્તિમાં સંડાવાયેલા લોકો સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે, ધારી ગીર પૂર્વના DCF વિકાસ યાદવે જાહેર જનતાને અપીલ કરી છે કે વનપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર શિકાર, પ્રતિબંધિત વન વિસ્તારમાં પ્રવેશ કે લાકડાની ગેરકાયદેસર હેરેફર જેવી પ્રવૃત્તિ જોવા મળે તો નજીકની વન કચેરી અથવા વનવિભાગના સ્ટાફને તાત્કાલિક જાણ કરવી.
સોશિયલ મીડિયા પર સિંહ કે અન્ય વનપ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર દર્શન, પ્રતિબંધિત વિસ્તારોમાં અથવા શિકાર સંબંધિત રીલ, ફોટો કે વિડિઓ જોવા મળે તો તેની માહિતી પણ વનવિભાગને આપવા અપીલ કરવામાં આવી છે.