રાહુલ ગાંધીએ કોંગ્રેસની બેઠકમાં કહ્યું સરકાર બેકફૂટ પર, આપણે આક્રમક રહેવું જોઈએ
- એકતા આપણી પાર્ટીની તાકાત છે
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
રાહુલ ગાંધીએ બુધવારે કોંગ્રેસના નેતાઓને કહ્યું કે મોદી સરકાર બેકફૂટ પર છે. આપણે તેની સામે વધુ આક્રમક વલણ અપનાવવું જોઈએ. તેમણે કહ્યું, 'એકતા આપણી પાર્ટીની તાકાત છે, TMC જુઓ કેવી રીતે વિખેરાઈ ગઈ. નરેન્દ્ર મોદીનું શાસન અંતિમ તબક્કામાં છે અને તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે.' ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, રાહુલે આ વાતો નવી દિલ્હીના ઇન્દિરા ભવનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી એટલે કે CWCની બેઠકમાં કહી. જેમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાઢ્રા સહિત ૮૮ નેતાઓ સામેલ થયા હતા. CWCની આ બેઠક સંસદ સત્ર સમાપ્ત થયા પછી પ્રથમ વખત યોજાઈ હતી. તેમાં દેશની રાજકીય સ્થિતિ સાથે યુવાનોનું ભવિષ્ય, રામ મંદિર ટ્રસ્ટના દાનની જવાબદહી અને ભારતીય સરહદ પર ચીનની કથિત ઘૂસણખોરી જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે નરેન્દ્ર મોદીનું શાસન “અંતિમ તબક્કામાં” છે અને તેમના ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે.
તેમણે કોંગ્રેસના નેતાઓને સરકાર વિરુદ્ધ વધુ આક્રમક વલણ અપનાવવા જણાવ્યું. મલિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે સરકારની નીતિઓથી યુવાનોનું ભવિષ્ય પ્રભાવિત થયું છે. તેમણે યુવાનો માટે એજ્યુકેશન ટુ એમ્પ્લોયમેન્ટ રોડમેપ બનાવવાની માંગ કરી. ખડગેએ દાવો કર્યો કે તાજેતરના વર્ષોમાં ૬૪ હજાર શાળાઓ બંધ થઈ છે. તેમણે તેને શિક્ષણ વ્યવસ્થાની ગંભીર સમસ્યા ગણાવી. ખડગેએ રામ મંદિર ટ્રસ્ટને મળેલા પૈસા, સોના અને અન્ય દાનની પારદર્શિતા પર સવાલ ઉઠાવ્યો. તેમણે દાનના ઉપયોગ અને હિસાબ-કિતાબની જાણકારી સાર્વજનિક કરવાની માંગ કરી. બેઠકમાં ભારતીય સરહદ પર ચીનની કથિત ઘૂસણખોરીને મુદ્દે પણ ચર્ચા થઈ અને સરકાર પાસેથી જવાબદારીની માંગ કરવામાં આવી. બેઠકમાં સંસદ સત્ર પછી દેશની રાજકીય સ્થિતિની સમીક્ષા કરવામાં આવી અને સરકાર વિરુદ્ધ કોંગ્રેસના વલણને વધુ આક્રમક બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.