Loading Please Wait !!!
દેશભરમાં 94,000 સરકારી શાળાઓ બંધ, શિક્ષણ વ્યવસ્થા સામે ગંભીર સંકટ

  • દરરોજ 25 શાળાઓ થતી બંધ, વિદ્યાર્થીઓના એડમિશનમાં મોટો ઘટાડો નોંધાયો
  • સરકારી શાળાઓનું પ્રમાણ ઘટ્યું, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓનો મોટો ઉછાળો
  • પ્રાથમિકથી માધ્યમિક શિક્ષણ સુધી પહોંચતા વિદ્યાર્થીઓમાં શિક્ષણનું ઘટતું પ્રમાણ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલે ભારતીય શિક્ષણ જગતમાં ગંભીર ચિંતા જન્માવી છે. 'સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમ ઇન ઇન્ડિયા' શીર્ષક હેઠળના આ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા 10 વર્ષમાં દેશભરમાંથી 94,000 જેટલી સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે. વર્ષ 2014-15માં જે શાળાઓની સંખ્યા 11.07 લાખ હતી, તે 2024-25માં ઘટીને 10.13 લાખ પર પહોંચી છે. આ ગાળામાં દરરોજ સરેરાશ 25 શાળાઓ બંધ થવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જ્યારે આનાથી વિપરીત ખાનગી શાળાઓની સંખ્યા 2.88 લાખથી વધીને 3.39 લાખ થઈ ગઈ છે.

વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. વર્ષ 2014-15માં કુલ 26.95 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા, જે ઘટીને 24.69 કરોડ થયા છે. આ ઘટાડા પાછળ ઘટતો પ્રજનન દર, શાળાઓનું મર્જર અને ડ્રોપઆઉટ રેટ મુખ્ય કારણો છે. સરકાર દ્વારા શાળાઓના વિલીનીકરણની નીતિને સંસાધનોના ઉપયોગ તરીકે જોવામાં આવે છે, પરંતુ સામાજિક કાર્યકરોનો આક્ષેપ છે કે ઘરથી દૂર થતી શાળાઓને કારણે ખાસ કરીને બાળકીઓના અભ્યાસ છોડવાનું પ્રમાણ વધ્યું છે. રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 40,000 શાળાઓ મર્જ કરવામાં આવી છે.

શિક્ષણની ગુણવત્તા પર પણ રિપોર્ટમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ધોરણ 9 સુધી પહોંચતા વિદ્યાર્થીઓમાં ડ્રોપઆઉટ રેટ 11.5% ના જોખમી સ્તરે પહોંચી ગયો છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં સ્થિતિ વધુ ચિંતાજનક છે. સૌથી ગંભીર બાબત એ છે કે ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ગણિતના પાયાના ખ્યાલો જેવા કે ટકાવારી અને અપૂર્ણાંક સમજવામાં પણ અસમર્થ છે. આ સ્થિતિ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાના પાયામાં રહેલી ખામીઓને દર્શાવે છે અને તાત્કાલિક સુધારાની માંગ કરે છે.

શિક્ષણ વ્યવસ્થા પર સંકટના મુખ્ય આંકડા

નીતિ આયોગના અહેવાલ મુજબ છેલ્લા 10 વર્ષમાં સરકારી શાળાઓની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 94,000 સરકારી શાળાઓ બંધ થવાથી 2.26 કરોડ વિદ્યાર્થીઓના એડમિશન આંકડામાં ઘટાડો થયો છે. આ તરફ માધ્યમિક સ્તરે ડ્રોપઆઉટ રેટ 11.5% થયો છે. વિદ્યાર્થીઓમાં પાયાના ગણિતના જ્ઞાનનો અભાવ અને શાળાઓના મર્જરને કારણે વધતું અંતર આ સ્થિતિ માટે જવાબદાર છે, જે ભવિષ્યમાં શિક્ષણની ગુણવત્તા અને પહોંચ બંને પર ગંભીર અસર કરી શકે છે.