Loading Please Wait !!!
અયોધ્યા રામ મંદિરમાં નવું સંકટ: દાન ગણતા ૨૩ કર્મચારીઓના રાજીનામા

  • કામના કલાકો વધારવા અને પગારમાં ઘટાડો થતા કર્મચારીઓનો સામૂહિક બળવો
  • પગાર કાપ અને રજાઓમાં ઘટાડાથી નારાજ કર્મચારીઓએ કામકાજ ઠપ કર્યું
  • માગણીઓ અસ્વીકાર થતા સામૂહિક રાજીનામું, નવી ભરતી માટે પોલીસ વેરિફિકેશન અનિવાર્ય

સિટી ન્યુઝ @ અયોધ્યા

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના વિવાદ બાદ હવે કર્મચારીઓના સામૂહિક રાજીનામાને કારણે નવું સંકટ સર્જાયું છે. દાનની ગણતરી કરતા ૨૩ કર્મચારીઓએ પગારમાં ઘટાડો અને કામના કલાકોમાં વધારાના વિરોધમાં સામૂહિક રાજીનામા ધરી દીધા છે. આ નિર્ણયને લીધે ગુરુવારે માત્ર ૧૩ કર્મચારીઓ જ હાજર રહેતા દાન ગણતરીની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. આ ઘટનાને પગલે રામ મંદિર ટ્રસ્ટ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) અને સુરક્ષા એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.

કર્મચારીઓના જણાવ્યા અનુસાર, દાન ચોરીનો કિસ્સો સામે આવ્યા બાદ સુરક્ષાના કારણોસર ગણતરીની બે શિફ્ટને બદલે એક જ શિફ્ટ કરી દેવામાં આવી હતી. પરિણામે, ૬ કલાકની ડ્યુટી વધારીને ૯ કલાક કરી દેવાઈ અને સાથે જ માસિક ફિક્સ પગાર ૧૪,૭૫૫ રૂપિયાથી ઘટાડીને ૮,૦૦૦ થી ૧૧,૦૦૦ રૂપિયા સુધી કરી દેવામાં આવ્યો હતો. બુધવારે સાંજે પોતાની માગણીઓ સંતોષાય તે માટે કર્મચારીઓએ રજૂઆત કરી હતી, પરંતુ કોઈ સમાધાન ન મળતા તેમણે સામૂહિક રાજીનામા સોંપી દીધા હતા.

હવે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે ટ્રસ્ટ અને બેંક દ્વારા નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોકે, તાજેતરના દાન ચોરીના કાંડને ધ્યાનમાં રાખીને કોઈપણ નવા કર્મચારીને પૂરતા પોલીસ વેરિફિકેશન વગર રાખવામાં નહીં આવે, જેના કારણે નવી ભરતીમાં સમય લાગી શકે છે. દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પદાધિકારીઓ દ્વારા મહત્વની બેઠકોનો દોર શરૂ થયો છે, જેથી ગણતરીની કામગીરી ફરી સામાન્ય બની શકે.