ઉત્તર ભારતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: યુપીમાં ૧૪ ના મોત, અનેક માર્ગો બંધ
- દિલ્હી-ઉત્તરાખંડમાં જળબંબાકારની સ્થિતિ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
- નદીઓ ગાંડીતૂર, ૧૦૭ માર્ગો બંધ થતાં સંપર્ક તૂટ્યો
- મેરઠ, મુઝફ્ફરનગર સહિતના જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં તોફાની ઇનિંગ રમ્યા બાદ મેઘરાજાએ હવે ઉત્તર ભારતના રાજ્યોમાં કહેર વરસાવવાનું શરૂ કર્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે જનજીવન વ્યાપક રીતે પ્રભાવિત થયું છે. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવી, દિવાલ ધરાશાયી થવી અને ભારે વરસાદને લગતી દુર્ઘટનાઓમાં ૧૪ લોકોના મોત નીપજ્યા છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં 'ઓરેન્જ' અને 'યલો' એલર્ટ જાહેર કર્યું છે, સાથે જ ૧૩ જુલાઈ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તરાખંડમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં ૨૪ કલાકમાં ૮ ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. સતત ભૂસ્ખલનને કારણે ૧૦૭ જેટલા માર્ગો બંધ થઈ ગયા છે, જેથી ચીન સરહદનો સંપર્ક પણ પ્રભાવિત થયો છે. નૈનીતાલ તળાવનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતા બોટીંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ૧૨ જુલાઈ સુધી રાજ્યની શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અલકનંદા, ગંગા અને કાલી જેવી નદીઓ ગાંડીતૂર બનતા કિનારાના વિસ્તારોમાં પૂરની દહેશત ફેલાઈ છે.
રાજધાની દિલ્હીમાં પણ સતત વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી ટ્રાફિક અને સામાન્ય જનજીવન પર અસર પડી છે. મેરઠ, બિજનૌર અને સહરાનપુર જેવા જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, જેને જોતા તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.