ડો. રેડ્ડીઝના સેમાગ્લુટાઈડ ઈન્જેક્શન પર બ્રેક: ઓક્ટોબર સુધી બજારમાં નહીં મળે દવા
- ઉત્પાદનમાં ખામી જણાતા કંપનીનો મોટો નિર્ણય, સુરક્ષાના કારણોસર સપ્લાય અટકાવ્યો
- ટોરેન્ટ ફાર્મા અને યુએસવી લિમિટેડ દ્વારા બજારમાંથી અમુક જથ્થો પરત ખેંચાયો
- બજારમાં ઉપલબ્ધ દવા સુરક્ષિત, ઓક્ટોબર સુધી નવા જથ્થા પર રોક
સિટી ન્યુઝ @ હૈદરાબાદ
ડાયાબિટીસ અને વજન ઘટાડવા માટે અત્યંત લોકપ્રિય બનેલા 'સેમાગ્લુટાઈડ ઈન્જેક્શન'નું ઉત્પાદન કરતી અગ્રણી દવા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝે આગામી ઓક્ટોબર મહિના સુધી સપ્લાય બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું છે કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન દવામાં કેટલીક તકનીકી ખામી કે અશુદ્ધિ જોવા મળી હતી. કંપનીના સીઈઓ ઇરેઝ ઇઝરાયેલીએ સ્પષ્ટતા કરી છે કે જે જથ્થામાં ખામી હતી તે તમામ કંપનીમાં જ રોકી દેવામાં આવ્યો હતો, તેથી બજારમાં હાલ ઉપલબ્ધ દવા દર્દીઓ માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
કંપનીએ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે મોટા પાયે પ્રક્રિયા હાથ ધરી હતી, પરંતુ આ દરમિયાન કેટલીક બેચમાં ક્વોલિટીના માપદંડો જળવાયા ન હતા. આ બાબતને ગંભીરતાથી લઈને કંપની હાલમાં તપાસ કરી રહી છે અને ક્વોલિટી સુધારવા માટે તમામ પગલાં લઈ રહી છે. દરમિયાન, ડો. રેડ્ડીઝ પાસેથી દવા ખરીદીને પોતાને નામે વેચતી ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ અને યુએસવી લિમિટેડ જેવી કંપનીઓએ પણ સાવચેતીના પગલા તરીકે બજારમાંથી અમુક જથ્થો પરત ખેંચવાનું શરૂ કર્યું છે.
ટોરેન્ટ ફાર્માએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ટેબ્લેટ્સ (ગોળીઓ)ના વેચાણ પર કોઈ અસર થશે નહીં. ડો. રેડ્ડીઝ કંપનીએ વિશ્વાસ અપાવ્યો છે કે તેઓ ઝડપથી આ ખામી સુધારી લેશે અને આ વર્ષના અંત સુધીમાં ૬૦ થી ૭૦ લાખ ઈન્જેક્શન બજારમાં પહોંચાડવાનું લક્ષ્ય રાખશે. જોકે, ડોક્ટરોનું માનવું છે કે આવી મહત્વની દવા બજારમાંથી ટૂંકા સમય માટે પણ દૂર થવાથી દર્દીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને વિશ્વાસ પર અસર પડી શકે છે.