'સેક્સ પાવર' વધારવાની દવા નામે ઠગાઈનું કૌભાંડ
- અમદાવાદમાંથી કોલ સેન્ટર ઉભુ કર્યુ હતું
- 5000 ગ્રાહકો ફસાયા, દવાની એડ પછી ખંડણીનો ખેલ
- દવાનું પાર્સલ ઓનલાઈન મંગાવતા ગ્રાહકને પોલીસ અધિકારી બની ધમકાવતા તેઓ કહેતા પ્રતિબંધિત શક્તિવર્ધક દવા ઓનલાઈન મંગાવી : ગ્રાહક બધૂ છૂપાવવા રૂપિયા આપી દેતા
સીટી ન્યૂઝ @ ગાંધીનગર
સોશિયલ મીડિયા પર 'સેક્સ પાવર' વધારવાની દવાઓની જાહેરાતો આપી હજારો ગ્રાહકોને બ્લેકમેલ કરતા આંતરરાજ્ય નેટવર્કનો CID ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે અમદાવાદના વસ્ત્રાલમાં ધમધમતા કોલ સેન્ટર પર દરોડો પાડી UP ના મુખ્ય સૂત્રધાર અને એક યુવતી સહિત ૭ ભેજાબાજોની ધરપકડ કરી છે. ટોળકીએ ૫૦૦૦ થી વધુ લોકોને શિકાર બનાવી ૫ કરોડથી વધુની ઉઘાડી લૂંટ ચલાવ્યાનો ખુલાસો થયો છે.
આ ગઠિયાઓ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ પર "શક્તિવર્ધક દવા" ની જાહેરાતો આપતા. ગ્રાહક પાર્સલ મેલવી નાણાં ચૂકવે, ત્યારે આ ઠગો નકલી પોલીસ કે ડોક્ટર બની ફોન કરતા અને ડરાવતા કે 'પ્રતિબંધિત દવા' મંગાવવા બદલ FIR કરી ધરપકડ કરાશે. બદનામી અને જેલના ડરથી ફફડી ગયેલા ગ્રાહકો કેસ રફેદફે કરવા ૨૦૦૦ થી ૧ લાખ રૂપિયા સુધીની ખંડણી આપી દેતા. પાર્સલ ન સ્વીકારનારને પણ ધમકાવતા હતા. વસ્ત્રાલના ૧૫ સીટર કોલ સેન્ટરથી ચાલતા આ ગોરખધંધાનો મુખ્ય સંચાલક UP ના ઈટાવાનો દેવેન્દ્રસિંહ રાવત છે. ટોળકી ગ્રાહકોને ફસાવવા ડેટાબેઝનો ઉપયોગ કરી સોશિયલ મીડિયા પર રોજના ૩૦,૦૦૦ રૂપિયાની જાહેરાતો આપતી હતી.
UP ના બીઘુનામાં નવું કોલ સેન્ટર શરૂ કરવાની પણ તેમની પેરવી હતી. પોલીસે સ્થળ પરથી ૧૪ મોબાઈલ, ૨૩ સીપીયુ, ૨ લેપટોપ, દવાના બોક્સ અને ૫ નકલી રબર સ્ટેમ્પ જપ્ત કર્યા છે. આરોપીઓના ૧૪ બેંક ખાતાઓમાં ૫ કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો મળ્યા છે, જેની વિરુદ્ધ દિલ્હી, રાજસ્થાન અને UP માં અગાઉ ૧ ૯ ફરિયાદો નોંધાયેલી છે. સાયબર ક્રાઈમની ટીમ વધુ તપાસ ચલાવી રહી છે.
આવી જાહેરાતોથી સાવધાન
-
સોશિયલ મીડિયા પર ચમત્કારિક પરિણામ કે ૧૦૦% ગેરંટી આપતી "સેક્સ પાવર" વધારવાની દવાઓની જાહેરાતોથી સાવચેત રહો.
-
ડોક્ટરની સલાહ વિના આવી કોઈ પણ અજાણી દવા મંગાવવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
-
અજાણી વેબસાઈટ કે વોટ્સએપ પર તમારી અંગત માહિતી, બેંક વિગતો, OTP કે UPI PIN ક્યારેય શેર ન કરો.
-
જો કોઈ આવી રીતે ઓનલાઈન છેતરપિંડી કે બ્લેકમેલિંગનો ભોગ બને, તો ગભરાયા વિના તાત્કાલિક ૧૯૩૦ હેલ્પલાઈન નંબર અથવા સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો.