Loading Please Wait !!!
રાજકોટ મનપાના ફૂડ વિભાગનો સપાટો 'વિરમણી સ્વીટ્સ' સીલ, ભેળસેળિયા તત્વોમાં ફફડાટ

  • 66 પેઢીઓ ઝપટે

  • 218 કિલો અખાદ્ય અને સડેલા ખોરાકનો નાશ

એસ્ટ્રોન ચોક પાસેની વિરમણી સ્વીટ્સમાંથી ફૂગવાળો માવો અને પ્રતિબંધિત કલર કેમિકલ્સ મળતા તાળા મરાયા

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરતા અને ગંદકી વચ્ચે જોખમી પીરસતા વેપારીઓ સામે મહાનગરપાલિકા (RMC) ના આરોગ્ય અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શુક્રવારે ફૂડ શાખાની ટીમે શહેરમાં મેગા સર્વેલન્સ હાથ ધરીને કુલ ૬૬ જેટલા નામાંકિત પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગનો સપાટો બોલાવ્યો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન ૨૧૮ કિલો જેટલો સડેલો, વાસી અને અખાદ્ય ખોરાક ઝડપાયો હતો, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ૨૬ પેઢીઓને નોટિસ ફટકારી કુલ રૂ. ૪૨,૦૦૦ નો દંડ વસૂલવામાં આવતા ભેળસેળિયા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ફૂડ વિભાગની ટીમે એસ્ટ્રોન ચોક પાસે આવેલી 'વિરમણી સ્વીટ્સ એન્ડ નમકીન' માં દરોડો પાડ્યો હતો. અહીં અત્યંત ગંદકી અને અનહાઈજીનિક કન્ડિશનમાં વાસી અને ફૂગવાળો માવો, એક્સપાયરી થઈ ગયેલો મિલ્ક પાવડર, સડેલા બટેટા-શાકભાજી, પ્રતિબંધિત કલર કેમિકલ્સવાળી ચટણી, અને વાસી સમોસા-કચોરીનો જથ્થો મળી આવ્યો હતો. ટીમે સ્થળ પર જ ૯૧ કિલો અખાદ્ય અને ઝેરી બની ગયેલા ખોરાકનો નાશ કરી પેઢી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. લોકોના જીવ જોખમમાં મુકતી આ પેઢીને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે.

મયુર ભજીયામાંથી એક્સપાયરી ડેટવાળું પાણી પકડાયું; ગંદકી સબબ 42,000 નો દંડ વસૂલાયો

આ ઉપરાંત સાધુ વાસવાણી રોડ પર અજંતા પાર્ક ખાતે આવેલા 'બેસ્ટ મયુર ભજીયા' માં તપાસ કરતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું. અહીં એક્સપાયરી ડેટ વીતી ગઈ હોય તેવી ૨૦૦ ml અને ૧ લીટરની પેકડ પાણીની ૩૫૦ બોટલો (કુલ ૧૦૦ લીટર) ગ્રાહકોને પધરાવવા માટે રાખવામાં આવી હતી. જેનો અને ૬ કિલો સડેલા શાકભાજી તથા બ્રેડનો નાશ કરી રૂ. ૫૦૦ નો દંડ વસૂલાયો હતો અને મીઠી ચટણીનો નમૂનો લેવામાં આવ્યો હતો.

15 થી વધુ ડેરીઓમાંથી દૂધના નમૂના લેવાયા

દૂધમાં થતી ભેળસેળ અને કૃત્રિમ દૂધના વેચાણને અટકાવવા મનપા દ્વારા 'મિલ્ક ચેકિંગ ડ્રાઈવ' શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શહેરની મધુરમ ડેરી (સાધુવાસવાણી રોડ), જય દ્વારકાધીશ ડેરી, શ્રી વૃંદાવન ડેરી (યુનિવર્સિટી રોડ), ગંગોત્રી ડેરી, બંસીધર ડેરી, શ્રી રાધે ડેરી (રૈયા રોડ), મોમાઈ ડેરી (કોઠારીયા), વિશાલ ડેરી (મંગળા મેઈન રોડ), રીયલ ડેરી અને ગોપાલ ડેરી ફાર્મ (મવડી) સહિતની વિવિધ જગ્યાઓ પરથી ગાય, ભેંસ અને મિક્સ દૂધના નૂજ નમૂના લેવામાં આવ્યા છે. FSSAI એક્ટ હેઠળ લેવાયેલા કુલ ૧૭ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ કડક કાર્યવાહી કરાશે.

પ્રિન્ટેડ પસ્તી અને ગંદકી બદલ 26 પેઢીઓને નોટિસ

  • શહેરમાં ખુલ્લી ખાદ્યચીજો વેચવા, વાપરેલા તેલનો ડબ્બો કિસ્પલ ન કરવા, લાઈસન્સ ન હોવા અને ખાસ કરીને ઝેરી શાહીવાળી 'પ્રિન્ટેડ પસ્તી' માં ફરસાણ આપવા બદલ અનેક નામાંકિત પેઢીઓ દંડાઈ છે.

  • ભગવતી ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ પાસેથી રૂ. ૫૦૦૦ નો દંડ.

  • વિશાલ સેલ્સ એજન્સી (એક્સપાયરી જથ્થો અલગ ન રાખવા બદલ) પાસેથી રૂ. ૪૦૦૦ નો દંડ.

  • જય બાલાજી ફરસાણ, શ્રી દ્વારકાધીશ ખમણ હાઉસ, આશા ફરસાણ અને ક્રિષ્ના સેલ્સ એજન્સી પાસેથી પ્રત્યેક રૂ. ૨૦૦૦ નો દંડ.

  • આ ઉપરાંત શ્રી લક્ષ્મી લાઈવ પટ્ટી સમોસા, જલિયાણ ફરસાણ, આઈ શ્રી ખોડીયાર ફરસાણ, રમેશ સ્વીટ, મોમાઈ ફરસાણ, શ્રીનાથજી સાબુદાણા ખિચડી અને મનીષ ફરસાણને રૂ. ૧૦૦૦ નો દંડ ફટકારી કડક નોટિસ આપવામાં આવી છે.