Loading Please Wait !!!
ભરેલી સભામાં રડી પડ્યો આમિર ખાન: પુત્ર જુનૈદની ફિલ્મ ‘એક દિન’ ના ઈવેન્ટમાં પિતાની આંખો છલકાઈ

 

  • દીકરાની મહેનત જોઈને મિસ્ટર પરફેક્શનિસ્ટ થયા ભાવુક- સાઈ પલ્લવીને ગણાવી દેશની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી

  • સોશિયલ મીડિયા પર ઈમોશનલ VIDEO વાયરલ- 1 May ના રોજ રિલીઝ થશે જુનૈદ ખાનની પાવરફુલ રોમેન્ટિક ડ્રામા

  • નેપોટિઝમની ચર્ચા વચ્ચે આમિરનું મોટું નિવેદન- સાઉથ સ્ટાર સાઈ પલ્લવીનું બોલિવૂડમાં ધમાકેદાર ડેબ્યૂ

     બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા આમિર ખાન ગઈકાલે રાત્રે એક અલગ જ અવતારમાં જોવા મળ્યા હતા. પોતાના પુત્ર જુનૈદ ખાનની આગામી ફિલ્મ 'એક દિન' ના ખાસ મ્યુઝિકલ ઈવેન્ટ ‘એક દિન કી મહેફિલ’ દરમિયાન આમિર ખાન ભરેલી સભામાં ભાવુક થઈ ગયા હતા. પરફોર્મન્સ દરમિયાન દીકરાને સફળતાના સોપાન સર કરતો જોઈને આમિરની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેઓ પોતાની શર્ટથી આંસુ લૂછતા જોવા મળ્યા હતા. આ હૃદયસ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચાહકો પણ પિતા-પુત્રના આ સંબંધ પર ઓવારી ગયા છે.

    આમિર ખાનની ભાવુકતા પાછળનું મુખ્ય કારણ જુનૈદની મહેનત અને તેની અભિનય યાત્રા હોવાનું મનાય છે. 'એક દિન' એ જુનૈદ ખાનની ત્રીજી ફિલ્મ છે અને થિયેટરમાં રિલીઝ થનારી તેની બીજી મહત્વની મૂવી છે. ઈવેન્ટ દરમિયાન જ્યારે આમિર રડવા લાગ્યા ત્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સાઈ પલ્લવી અને જુનૈદે પોતે તેમને શાંત પાડ્યા હતા. આમિરે એક પ્રોડ્યુસર તરીકે જ નહીં પણ એક ગર્વ અનુભવતા પિતા તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

    આ કાર્યક્રમમાં આમિર ખાને સાઈ પલ્લવીના ભારોભાર વખાણ કરીને સૌને ચોંકાવી દીધા હતા. આમિરે નિખાલસતાથી સ્વીકાર્યું કે, "મારા માટે સાઈ પલ્લવી આ સમયે આપણા દેશની સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી છે." સાથોસાથ પુત્ર જુનૈદ વિશે મજાકિયા અંદાજમાં કહ્યું કે, "જુનૈદ પણ ઠીક-ઠાક કામ કરી લે છે, તે મારો દીકરો છે એટલે વધુ વખાણ કરી શકું નહીં." સાઈ પલ્લવીએ પણ આ પોતાની પહેલી હિન્દી ફિલ્મ હોવાથી થોડી નર્વસ હોવાનું જણાવ્યું હતું, પરંતુ આમિરના શબ્દોએ તેનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

    ફિલ્મ 'એક દિન' ની વાત કરીએ તો, આ એક શુદ્ધ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે જેનું નિર્દેશન સુનીલ પાંડેએ કર્યું છે. આ ફિલ્મમાં સાઉથની સ્ટાર સાઈ પલ્લવી અને જુનૈદ ખાનની ફ્રેશ જોડી જોવા મળશે. ફિલ્મની વાર્તા અને સંગીત અત્યારથી જ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ બનેલી આ ફિલ્મ પર આખા બોલિવૂડની નજર ટકેલી છે, કારણ કે આ જુનૈદના કેરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.

    આ ફિલ્મ 1 May 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ઉનાળાની શરૂઆતમાં જ એક શાનદાર લવ સ્ટોરી દર્શકોને પીરસવા માટે આમિર ખાન સંપૂર્ણ રીતે સજ્જ છે. આ ઈવેન્ટ બાદ દર્શકોમાં ફિલ્મ પ્રત્યેની આતુરતા બમણી થઈ ગઈ છે. હવે જોવાનું એ રહેશે કે બોક્સ ઓફિસ પર જુનૈદ અને સાઈ પલ્લવીની જોડી કેવો જાદુ ચલાવે છે અને પિતા આમિર ખાનના આ વિશ્વાસ પર જુનૈદ કેટલો ખરો ઉતરે છે.