Loading Please Wait !!!
શાહિદ કપૂરની 'કોકટેલ 2'માં ગ્લેમર છે પણ વાર્તા સાવ નબળી

  • રશ્મિકા અને કૃતિના હોટ અવતાર છતાં લવ રંજનની સ્ક્રિપ્ટ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ
  • 16 વર્ષ જૂના સંબંધોની કસોટીમાં શાહિદની ઓવર એક્ટિંગ અને કન્ફ્યુઝિંગ લવ ટ્રાયેન્ગલ
  • ઇટાલીની સુંદર વાદીઓમાં ફિલ્માવાયેલો સાધારણ લવ ટ્રાયેન્ગલ દર્શકો સાથે કનેક્ટ થતો નથી

સિટી ન્યુઝ @ મુંબઈ

'જ્યારે પ્રેમ નવો હોય છે ત્યારે એક્સાઇટિંગ હોય છે, પણ જૂનો પ્રેમ રાત્રે સૂતી વખતે કમ્ફર્ટ આપતા ફાટેલાં ટી-શર્ટ જેવો હોય છે.' આ મૂળ વિચાર સાથે નિર્દેશક હોમી અદજાનિયા 'કોકટેલ 2' લઈને આવ્યા છે. વર્ષ 2012 માં આવેલી સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટીની ફિલ્મ 'કોકટેલ' આજે પણ લોકોના મનમાં તાજી છે. પરંતુ આ નવી સ્પિરિચ્યુઅલ સિક્વલમાં એ જૂનો નશો બિલકુલ ગાયબ છે. ગ્લેમરથી ભરપૂર આ નવી ફિલ્મ એક સાધારણ અને કન્ફ્યુઝિંગ લવ ટ્રાયેન્ગલ બનીને રહી ગઈ છે, જેમાં વાર્તાના ઊંડાણની ભારે કમી વર્તાય છે.

વાર્તા નાનપણની પ્રેમિકા દીયા (રશ્મિકા મંદાના) અને કુણાલ (શાહિદ કપૂર) ની છે, જેઓ 16 વર્ષથી સાથે છે. લાંબા સંબંધના કારણે તેમને પ્રેમમાં ઉષ્મા ઓછી થતી અનુભવાય છે અને દીયાને કુણાલના પ્રેમ પર શંકા થાય છે. આ કંટાળાજનક વાતાવરણથી દૂર બંને ઇટાલીના સિસિલીમાં રજાઓ ગાળવા જાય છે. ત્યાં દીયાની સ્કૂલ ફ્રેન્ડ એલી (કૃતિ સેનન) મળે છે. કુણાલની વફાદારી ચકાસવા દીયા એલીને કુણાલ સાથે ફ્લર્ટ કરવાનું કહે છે, પણ એલી સાચે જ પ્રેમમાં પડી જાય છે અને પછી શરૂ થાય છે પ્રેમ, દોસ્તી અને ઈર્ષ્યાનો ખેલ. ફિલ્મનું શૂટિંગ સિસિલીની સુંદર વાદીઓમાં થયું છે અને અનાઇતા શ્રોફ અદજાનિયાના સ્ટાઇલિંગના કારણે વિઝ્યુઅલી ફિલ્મ ખૂબ જ આકર્ષક લાગે છે.

પહેલી 'કોકટેલ' જ્યાં ઇમ્તિયાઝ અલીએ લખી હતી, ત્યાં આ સિક્વલ લવ રંજને લખી છે. આ બંને લેખકોની પ્રેમ પ્રત્યેની સમજનો મોટો તફાવત પડદા પર સ્પષ્ટ દેખાય છે. નવી વાર્તા સાવ સપાટી પરની અને ઉપરછલ્લી લાગે છે. કલાકારોના અભિનયની વાત કરીએ તો, કૃતિ સેનન પોતાના રોલમાં ખૂબ જ હોટ લાગે છે અને રશ્મિકા મંદાના પણ પોતાના પાત્રમાં બરાબર જામે છે. પરંતુ, શાહિદ કપૂર જેવો પીઢ અભિનેતા પોતાનો કોઈ ખાસ પ્રભાવ છોડી શકતો નથી અને અનેક દ્રશ્યોમાં ઓવર એક્ટિંગ કરતો નજરે પડે છે. પુલકિત સમ્રાટનો કેમિયો ઠીકઠાક છે અને પ્રીતમનું સંગીત ફિલ્મને અનુરૂપ છે, છતાં દર્શકોને પાત્રો સાથે કોઈ ભાવનાત્મક જોડાણ અનુભવાતું નથી.

 

બોલિવૂડમાં સિક્વલ ફિલ્મોનો ટ્રેન્ડ અને અપેક્ષાઓ

બોલિવૂડમાં આજે કોઈપણ હિટ ફિલ્મની સિક્વલ બનાવવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. પરંતુ માત્ર જૂના ટાઇટલ અને મોટા સ્ટાર્સના ગ્લેમરથી ફિલ્મો હિટ નથી થતી. દર્શકો હંમેશા એક મજબૂત અને હૃદયસ્પર્શી વાર્તાની અપેક્ષા રાખે છે. જ્યારે સ્ક્રિપ્ટમાં જ ઊંડાણ અને લાગણીઓનો અભાવ હોય, ત્યારે ગમે તેટલા સારા લોકેશન કે મોંઘા કપડાં પણ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવામાં નિષ્ફળ રહે છે.