પંકજ ત્રિપાઠીના મોટાભાઈ પર કુહાડીથી હુમલો
જમીન વિવાદમાં લોહીયાળ પરિણામની આશંકા
સિટી ન્યૂઝ@મુંબઈ
ગોપાલગંજમાં બોલિવૂડ એક્ટર પંકજ ત્રિપાઠીના ભાઈ વિજેન્દ્ર નાથ તિવારી પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં તે ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને વધુ સારી સારવાર માટે પટના PMCH રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના બરૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામની છે.
વિજેન્દ્ર નાથ તિવારી રવિવારે મોડી સાંજે પોતાના ઘરના દરવાજે બેઠા હતા. તે દરમિયાન કેટલાક લોકો આવ્યા અને તેમના પર અચાનક હુમલો કર્યો. હુમલામાં તેઓ લોહીલુહાણ થઈને ત્યાં જ પડી ગયા. આસપાસના લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચતા હુમલાખોરો ફરાર થઈ ગયા.
વિજેન્દ્ર નાથ તિવારીને તાત્કાલિક સદર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમની હાલત જોઈને તેમને પટના PMCH રિફર કર્યા. ડોક્ટર એ.કે. મિશ્રાએ જણાવ્યું કે જખમનું નિશાન પીઠ પર અડધો ઈંચ ઊંડું, ગરદન નીચે ખભા પર એક ઈંચ ઊંડું અને ગરદન પાસે જ ખભા પર અડધો ઈંચ ઊંડું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ શરૂ કરી. પોલીસે પીડિત અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનના આધારે ગુનો નોંધી લીધો છે.