Loading Please Wait !!!
ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરીશ: શેખ હસીનાનો સનસનાટીભર્યો એલાન

  • કોર્ટમાં આત્મસમર્પણ કરવાની તૈયારી, "દેશની માટી પર મરવું મંજૂર"
  • અવામી લીગના નેતાઓ સાથે પરત ફરવાની જાહેરાત, જનતા પર છોડ્યો નિર્ણય
  • હત્યાના ડર વચ્ચે પણ હસીનાએ કોર્ટમાં સરેન્ડર કરવાનો લીધો નિર્ણય

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક ઇન્ટરવ્યુમાં જાહેરાત કરી છે કે તેઓ આગામી ડિસેમ્બરમાં ભારતથી બાંગ્લાદેશ પરત ફરશે અને ત્યાંની અદાલતમાં આત્મસમર્પણ કરશે. ૨૦૨૪ના સરકાર વિરોધી આંદોલન બાદ દેશ છોડીને ભારત આવેલા હસીનાએ જણાવ્યું હતું કે, તેમની સાથે અવામી લીગના અનેક વરિષ્ઠ નેતાઓ પણ પરત ફરીને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરશે. તેમના પર નોંધાયેલા કેસ અને મૃત્યુદંડની સજાના આદેશો વિશે હસીનાએ કહ્યું કે તેમને જેલ કે મૃત્યુનો ડર નથી અને તેમને વિશ્વાસ છે કે અદાલતી કાર્યવાહી શરૂ થતાં જ સત્ય બહાર આવશે.

હસીનાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની વાપસી અંગે તેમણે બાંગ્લાદેશની વર્તમાન સરકાર સાથે કોઈ પણ પ્રકારની ગુપ્ત વાતચીત કરી નથી. તેઓ માને છે કે લોકશાહી અને રાજકીય અધિકારો જેવા મુદ્દાઓ પડદા પાછળની વાતચીતથી ઉકેલી શકાતા નથી. બાંગ્લાદેશ સરકાર તેમને પાછા મોકલવા માટે ભારતને વિનંતી કરી રહી હોવાના દાવા વચ્ચે તેમણે કહ્યું કે તેમને લાવવાની કોઈને જરૂર નથી, તેઓ જાતે જ પાછા ફરશે. તેમણે પોતાના શાસનકાળ દરમિયાન થયેલી ભૂલોનો નિર્ણય અદાલતને બદલે બાંગ્લાદેશની જનતા પર છોડ્યો છે.

૨૦૨૪માં વિદ્યાર્થી આંદોલન દરમિયાન લગભગ ૧,૪૦૦ લોકોના મોત અંગેના અહેવાલો અને ત્યારબાદ તેમને મળેલી સજાના મામલે હસીનાએ પોતાના પરના આરોપોનો ઇનકાર કર્યો છે. હસીનાની આ જાહેરાત બાદ બાંગ્લાદેશના રાજકીય માહોલમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા છે. જોકે, બાંગ્લાદેશ કે ભારત સરકાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ હસીનાનું આ પગલું ભવિષ્યમાં બાંગ્લાદેશના રાજકીય સમીકરણોમાં મોટો વળાંક લાવી શકે છે.

હસીનાના નિવેદન

શેખ હસીનાએ ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરીને કોર્ટમાં આત્મસમર્પણ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમણે જેલ કે મૃત્યુનો ડર ન હોવાનું જણાવી સરકાર સાથે કોઈ સમજૂતી ન કરી હોવાનો દાવો કર્યો છે. વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હિંસાના આરોપોને તેમણે નકાર્યા છે અને અદાલતમાં સત્યની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે સરકારથી થયેલી ભૂલોનો અંતિમ નિર્ણય જનતા જ કરશે. હાલમાં બાંગ્લાદેશ સરકાર આ અંગે મૌન છે, જ્યારે ભારતે અગાઉ કહ્યું હતું કે તે પ્રત્યાર્પણની વિનંતી પર વિચારણા કરી રહી છે.