નૌકાદળની શાન INS મહેન્દ્રગિરિ: દુશ્મનના રડારને પણ આપશે ચકમો
- સ્વદેશી ટેકનોલોજીથી સજ્જ છઠ્ઠું સ્ટેલ્થ ફ્રિગેટ વિશાખાપટ્ટનમમાં નૌકાદળમાં સામેલ
- આધુનિક મિસાઈલો અને એન્ટી-સબમરીન સિસ્ટમથી સજ્જ પ્રોજેક્ટ-17A નું યુદ્ધ જહાજ
- 75%થી વધુ સ્વદેશી નિર્મિત મહેન્દ્રગિરિ સ્ટેલ્થ ટેકનોલોજીથી છે સજ્જ
સિટી ન્યુઝ @ વિશાખાપટ્ટનમ
ભારતીય નૌકાદળની દરિયાઈ તાકાતમાં આજે એક નવો અને ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. વિશાખાપટ્ટનમ ખાતે રક્ષા મંત્રી રાજનાથ સિંહની મુખ્ય ઉપસ્થિતિમાં સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત છઠ્ઠું સ્ટેલ્થ ફ્રિગેટ 'INS મહેન્દ્રગિરિ' નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા તૈયાર કરવામાં આવેલું આ અત્યાધુનિક જહાજ પ્રોજેક્ટ-17A ની શ્રેણીનું છે, જે હિંદ મહાસાગર તેમજ ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ભારતની સુરક્ષા અને સ્થિરતાને વધુ સુદ્રઢ બનાવશે.
INS મહેન્દ્રગિરિની સૌથી મોટી વિશેષતા તેની 'સ્ટેલ્થ ટેકનોલોજી' છે, જે તેને દુશ્મનના રડાર, સોનાર અને ઇન્ફ્રારેડ સેન્સરથી છુપાવવામાં મદદ કરે છે. આ જહાજમાં 75% થી વધુ સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ થયો છે, જેમાં વિવિધ MSME કંપનીઓનું પણ મોટું યોગદાન છે. આ જહાજ સરફેસ-ટુ-સરફેસ અને સરફેસ-ટુ-એર મિસાઈલ, એડવાન્સ ઈલેક્ટ્રોનિક વોરફેર અને એન્ટી-સબમરીન સિસ્ટમ જેવી આધુનિક શસ્ત્રપ્રણાલીઓથી સજ્જ છે, જે તેને ત્રિવિધ જોખમો સામે લડવા માટે સક્ષમ બનાવે છે.
આ યુદ્ધ જહાજમાં વપરાયેલી 'ઇન્ટિગ્રેટેડ કન્સ્ટ્રક્શન ટેકનિક' અને કમ્બાઈન્ડ ડીઝલ અને ગેસ (CODOG) પ્રોપલ્શન સિસ્ટમ તેને લાંબા અંતર સુધી હાઈ-સ્પીડમાં સંચાલિત કરવાની ક્ષમતા આપે છે. પ્રોજેક્ટ-17A હેઠળના કુલ 7 જહાજો પૈકીનું આ છઠ્ઠું જહાજ છે, જે ભારતના આત્મનિર્ભર ભારત અભિયાનનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ જહાજના સામેલ થવાથી ભારતીય નૌકાદળની રણનીતિક ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે.