મોરબીના જેતપરમાં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના પૂતળા દહન મામલે મોટી કાર્યવાહી
-
છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી ખેડૂતો દ્વારા પૂરતા વળતર માટે થઈ રહ્યું છે પ્રદર્શન
-
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નામજોગ તેમજ અન્ય અજાણ્યા લોકો સામે ગુનો દાખલ
-
પીએસઆઈ નિલેશ ઘેટીયાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શરૂ
સિટી ન્યુઝ @ મોરબી
મોરબીના જેતપર ગામે ખેડૂતો ખાનગી વીજ કંપની પાસેથી પૂરતું વળતર મેળવવા માટે છેલ્લા 4 મહિનાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. આ દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, 17 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે આંદોલનકારીઓએ સત્યાગ્રહ છાવણી પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળાનું દહન કર્યું હતું. આ વિવાદાસ્પદ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કુલ 21 આંદોલનકારી ખેડૂતો અને મહિલાઓ સામે નામજોગ તેમજ તપાસમાં જેમના નામ ખુલે તેમની સામે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગનો ગુનો નોંધીને પોલીસે આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે જેથી આંદોલન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે.
તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ નિલેશ ઘેટીયાએ આંદોલનકારીઓ નેહુલ ધીરજલાલ અમૃતિયા, હર્ષદ ચતુર અઘારા, રાજુ ભૂદર કંડિયા, દીપક નાથા જાકાસણીયા, લાલજી ઘનશ્યામ જાકાસણીયા, લલિત ઉર્ફે ભેટીયો ચીકુ અઘારા, કોકો બચુ કંડિયા, અમિત બચુ કંડિયા, નરેશ બચુ અઘારા, નંદલાલ પ્રભુ અમૃતિયા, ગોવિંદ ધરમશી અમૃતિયા, ચતુર છગન અઘારા, લાલુ અમરશી વરસડા, હિરેન ચંદુ અઘારા, વિપુલ મગન કંડિયા, ખુશાંગીબેન રાજેશ અઘારા, દર્શનાબેન ઉર્ફે ગુડી હર્ષદ અઘારા, મિતલબેન વિપુલ કંડિયા, જ્યોતિબેન નિકેત પંચાસરા, નીરુભા પ્રમોદસિંહ જાડેજા અને હિરજી દેવજી દેત્રોજા સામે ગુનો નોંધ્યો છે.
પોલીસે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે, આરોપીઓએ પહેલાથી આયોજન કરીને 17 સપ્ટેમ્બરની રાત્રે કોઈપણ પ્રકારની મંજૂરી લીધા વગર જેતપર ગામે સત્યાગ્રહ છાવણીના ડોમ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પૂતળા બનાવ્યા હતા. ત્યારબાદ તેના પર જ્વલનશીલ પદાર્થ છાંટીને પૂતળાને સળગાવ્યા હતા. આરોપીઓએ લાકડાના ધોકા વડે પૂતળાને માર્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
આ બનાવ સંદર્ભે પીઆઇની સત્તાવાર ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. ખેડૂત આંદોલનને વેગ આપવા માટે થયેલા આ વિરોધ પ્રદર્શનમાં કાયદાકીય મર્યાદાઓનું ઉલ્લંઘન થવાને કારણે આગામી દિવસોમાં આ મામલો વધુ ચર્ચાસ્પદ બને તેવી પૂરી સંભાવના છે. પોલીસે અન્ય સંડોવાયેલા શખ્સોની ઓળખ માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.
કાનૂની કાર્યવાહી અને વિરોધ પ્રદર્શન
મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન દરમિયાન વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા દહન કરવાના મામલે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ પોલીસે મહિલાઓ સહિત 21 ખેડૂતો સામે ગુનો દાખલ કર્યો છે. કોઈપણ મંજૂરી વગર થયેલા આ પ્રદર્શન અને કાયદો તોડવાની ઘટના અંગે પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરવામાં આવી છે.