તબેલામાં મહેમાન બનીને આવ્યો પાંચ ફૂટનો મગર!
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા નજીક આવેલા દેણા ગામના ભરવાડ વાસમાં ગુરુવારે રાત્રે ગાય-ભેંસના તબેલામાં પાંચ ફૂટ લાંબો મગર ઘૂસી આવવાની ઘટના સામે આવી છે. વિશાલ ભરવાડના તબેલામાં મગર આવી ચડતા તેમણે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. કોલ મળતા જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હાર્દિક પવાર, ઈશ્વર ચાવડા અને વન વિભાગના અધિકારી જિગ્નેશ પરમાર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
ટીમે સંયુક્ત રીતે ભારે જહેમત હાથ ધરીને આશરે એક કલાકની મહેનત બાદ પાંચ ફૂટ લાંબા આ મગરનું સફળતાપૂર્વક સુરક્ષિત રેસ્ક્યુ કર્યું હતું અને તેને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો. આ કામગીરીથી પશુઓ અને સ્થાનિક લોકો પર તોળાઈ રહેલું જોખમ ટળતા ગ્રામસ્થોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે વડોદરાની વિશ્વામિત્રી નદી અને આસપાસના જળાશયોમાં ૧ હજાર કરતાં વધુ મગરો છે, અને શેડયૂલ-૧ નું સંરક્ષિત પ્રાણી હોવાથી વન વિભાગ દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે.
વડોદરામાં મગરનું લટાર મારવું હવે સામાન્ય બન્યું!
વડોદરા પાસેના દેણા ગામમાં ગાય-ભેંસના તબેલામાં પાંચ ફૂટ લાંબો મગર ઘૂસી જવાની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ મગરનું સફળ રેસ્ક્યુ કરીને તેને વન વિભાગને સુપરત કર્યો હતો, જેનાથી સ્થાનિકોએ રાહત અનુભવી છે.