આવતીકાલના ‘વિકસિત ભારત’ના સપના સામે રાજકોટની ધરાશાયી હકીકત!
જો સ્થાનિક સ્તરે આયોજન અને અમલમાં ખામી રહેશે તો વિઝન 2047 માત્ર કાગળ પર જ રહી જશે
વિકાસના મોટા દાવા કરતા પહેલા શહેરોની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવી અનિવાર્ય
• તંત્રી • અનિરુદ્ધ નકુમ
દેશને ૨૦૪૭ સુધી વિકસિત બનાવવા મોટા મોટા દાવા થઈ રહ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું આ વિઝન જમીન પર ક્યાંય દેખાય છે? રાજકોટ જેવી શહેરી વાસ્તવિકતા જોતા લાગે છે કે આ બધું માત્ર ભાષણો સુધી જ સીમિત છે.
રાજકોટ મહાનગરપાલિકા ૨૦૩૦ માટેના પોતાના આયોજનને જ ગોઠવી શકતી નથી, ત્યારે ૨૦૪૭ના સપનાઓ પર લોકો કેવી રીતે વિશ્વાસ રાખે? નવા જોડાયેલા ગામોમાં વર્ષો વીતી ગયા, છતાં પાણીની લાઈન નથી, ડ્રેનેજ સિસ્ટમ નથી, કચરો ઉઠાવવાની વ્યવસ્થા નથી. છતાં ટેક્સ વસૂલાત ધડાધડ ચાલુ છે શું આ જ વિકાસ છે?
વોર્ડ નં. ૭, ૧૧ અને ૧૮માં હાલત એટલી ખરાબ છે કે લોકો રોજિંદા પ્રશ્નોથી ત્રસ્ત છે. શહેરના મધ્યમાં ટ્રાફિકનો તાંડવ અને સીમા વિસ્તારમાં ગંદકીનો રાજ આ બે ચહેરા રાજકોટના વિકાસની હકીકત બતાવે છે.
મનપા પાસે બહાના ઘણાં છે રૂડા પાસેથી વિસ્તાર મળ્યો, સ્ટાફ નથી, પ્લાનિંગ બાકી છે. પરંતુ સવાલ એ છે કે જવાબદારી કોણ લેશે? નાગરિકો ટેક્સ આપે, પણ સુવિધા માટે રાહ જુએ આ સિસ્ટમ ક્યારે બદલાશે?
સાઉથ ઝોનના નામે જાહેરાત થઈ ગઈ, પરંતુ આજે પણ તેની રચના, અધિકારીઓ અને ટેક્નિકલ માળખું કાગળ પર જ છે. આ ધીમી ગતિ અને અસ્પષ્ટતા વિકાસના દાવાઓને ખોખલા બનાવે છે. એક તરફ દેશ વિકસિત ભારતના સપના જોઈ રહ્યો છે, બીજી તરફ રાજકોટમાં લોકો પાણી, સફાઈ અને રોડ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ વિસંગતિ માત્ર ચિંતાજનક નથી પણ સિસ્ટમની નિષ્ફળતાનું સાબિતી છે.
ટેક્સ પહેલા, સુવિધા શા માટે નહીં? પ્લાનિંગ વગર વિસ્તાર શા માટે ભેળવાયા? જવાબદારી કોણ લેશે? જો આજના પ્રશ્નો ઉકેલાશે નહીં, તો વિઝન ૨૦૪૭ માત્ર એક રાજકીય નારો બનીને રહી જશે.