ભક્તો આંખ ખોલો; મંદિરોમાં નહીં, સેવા પ્રવૃત્તિમાં દાન કરો
- મંદિરોમાં દાનના નામે ધંધો: શ્રદ્ધા સાથે ખુલ્લી છેતરપિંડી ચાલે છે
- અયોધ્યા રામ મંદિર, ઉજ્જૈન મહાકાલ હોય કે અંબાજી મંદિર ત્યાં દાનમાં મોટો 'ખેલ' ચાલી રહ્યો છે
- તંત્રી: અનિરુદ્ધ નફુમ
ભારતમાં ભક્તિનું નામ લઈ લોકોને મૂર્ખ બનાવવાની પ્રથા હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે. મંદિરોમાં લોકો પોતાની મહેનતની કમાણી ભગવાનને અર્પણ કરે છે પરંતુ જો એ પૈસા કોઈના મોજશોખ અને ગેરવહીવટમાં વપરાતા હોય, તો આ માત્ર ભ્રષ્ટાચાર નહીં, સીધી રીતે ભક્તોની આસ્થા સાથે છેતરપિંડી છે. અયોધ્યા હોય કે ઉજ્જૈન, ઓમકારેશ્વર હોય કે અંબાજી ત્યારે એક પછી એક મંદિરોમાં દાનની ગેરરીતિના આરોપો સામે આવે છે, ત્યારે હવે આંખ બંધ રાખવી મૂર્ખામી છે. શું ભક્તો માત્ર પૈસા નાખવા માટે છે? શું કોઈ જવાબદારી નથી કે આ દાન ક્યાં જાય છે? હકીકત એ છે કે ઘણા સ્થળોએ "ધર્મ" ના નામે વ્યવસ્થા એટલી અસ્પષ્ટ છે કે કોઈને જવાબ આપવાની ફરજ જ નથી લાગતી. આ સ્થિતિ અસહ્ય છે. ભક્તોના પૈસા પર કોઈ રાજા બનીને બેસી જાય અને કોઈ પૂછનાર ન હોય આ હવે ચાલશે નહીં. સમય આવી ગયો છે કે લોકો સવાલ પૂછે જોરથી અને ખુલ્લેઆમ. મંદિર ટ્રસ્ટો પાસે દરેક રૂપિયાનો હિસાબ માંગવો જ પડશે. જો પારદર્શિતા નથી, તો દાન પણ નહીં આવો સ્પષ્ટ સંદેશ આપવો પડશે.
આંધળી શ્રદ્ધા હવે નુકસાનકારક બની રહી છે. જો આપેલું દાન સાચી જગ્યાએ નથી પહોંચતું, તો ગરીબો, બીમાર લોકો અથવા પ્રાણીઓ માટે સીધું દાન કરવું હજારો ગણું સારું છે. ભગવાનને પૈસાની જરૂર નથી પરંતુ માનવતાને જરૂર છે.
આ હવે માત્ર ચર્ચાનો વિષય નથી આ લડત છે વિશ્વાસને બચાવવાની. જો હવે લોકો ચૂપ રહેશે, તો આવતીકાલે આસ્થા શબ્દનો અર્થ જ ખોવાઈ જશે. હવે સમય છે સ્પષ્ટ નિર્ણયનો: પારદર્શિતા કે બહિષ્કાર. લોકો પોતાના મહેનતનાં પૈસા ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે, એ વિશ્વાસ સાથે કે તેનો ઉપયોગ સેવા, સમાજકલ્યાણ અને ધાર્મિક કાર્ય માટે થશે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મંદિરોમાં દાનની ચોરી અને ગેરવહીવટના આરોપો સામે આવતા રહ્યા છે, જે માત્ર ચિંતાજનક જ નહીં, પરંતુ શરમજનક પરિસ્થિતિ ઊભી કરે છે. એક કડક સત્ય એ પણ છે કે જ્યાં વ્યવસ્થામાં ખામી છે, ત્યાં સુધાર માટે દબાણ લાવવું જ પડશે. મંદિર ટ્રસ્ટોએ પોતાના હિસાબ જાહેર કરવા, નિયમિત ઓડિટ કરાવવા અને દરેક રૂપિયા કેવી રીતે ખર્ચાય છે તેની સ્પષ્ટ માહિતી આપવી ફરજિયાત બનાવવી જોઈએ. ટેકનોલોજીના યુગમાં આ કામ મુશ્કેલ નથી પરંતુ ઈચ્છાશક્તિ જરૂરી છે. સાથે જ, સમાજે પણ પોતાનો દ્રષ્ટિકોણ બદલવો પડશે. જો દાનનો યોગ્ય ઉપયોગ થતો નથી, તો ગરીબોની મદદ, શિક્ષણ, આરોગ્ય સેવા અથવા પ્રાણીઓના કલ્યાણ માટે સીધું દાન આપવું વધુ અર્થપૂર્ણ બની શકે છે. સાચી સેવા એ છે, જ્યાં આપેલું દાન વાસ્તવમાં જરૂરિયાતમંદ સુધી પહોંચે.