લાંબા વિરામ બાદ અમરેલીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
રાજુલા, ખાંભા, સાવરકુંડલા અને ધારી પંથકમાં ધોધમાર વરસાદ; સુકાતા પાકને નવજીવન, ખેડૂતોમાં ખુશી
સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-અમરેલી
લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા જિલ્લાના અનેક પંથકોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ત્યારે વરસાદ વરસતા સુકાઈ રહેલા પાકને જીવનદાન મળ્યું છે. વરસાદથી ખેડૂતોમાં ખુશી સાથે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા, ધારી અને લીલીયા સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. રાજુલા તાલુકાના ડુંગર, માંડળ, મોરંગી, કુંભારીયા, દેવકા, હિડોરણણા, છતડીયા, નાની ખેરળી, વાવેરા અને મોટા આગારીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક જોરદાર વરસાદી ઝાપટાં પડ્યાં હતા, વરસાદના પગલે અનેક માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. ધારી તાલુકાના વાકુનીધાર, ઈગીરોળા અને વિરપુર સહિતના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. અનેક નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધ્યો હતો.
લાંબા સમય બાદ વરસેલા વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકને મોટો ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. વરસાદ ખેંચાતા સુકાઈ રહેલા પાકને હવે જરૂરી ભેજ મળતાં ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.
છેલ્લા ઘણા દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને ઉફ્ળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદી માહોલથી લોકોને પણ ગરમીમાંથી રાહત મળી હતી.