Loading Please Wait !!!
હેપી બર્થ-ડે રાજકોટ હવે પ્રજા સંકલ્પ લે શહેરને શ્રેષ્ઠ બનાવવાનો !

શહેરને સ્વચ્છ, હરિયાળું અને સુવ્યવસ્થિત બનાવવામાં દરેક નાગરિકની ભૂમિકા એટલી જ મહત્વપૂર્ણ છે જેટલી તંત્રની છે

આજે રાજકોટ શહેરનો જન્મદિવસ છે. માત્ર એક શહેરનો નહીં, પરંતુ સંસ્કૃતિ, સંસ્કાર અને વિકાસની જીવંત પરંપરાનો ઉત્સવ છે. સૌરાષ્ટ્રનું હૃદય કહેવાતું રાજકોટ આજે આધુનિકતા અને પરંપરાનો સુંદર સમન્વય બનીને દેશભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.

 • તંત્રી • અનિરુદ્ધ નકુમ

રાજકોટની ઓળખ તેની ઐતિહાસિક ધરોહર પૂરતી સીમિત નથી. અહીંના લોકોની ઉર્જા, ઉદ્યોગપ્રવૃત્તિ અને જીવંત સ્વભાવ આ શહેરને ખાસ બનાવે છે. મહાત્મા ગાંધીજીના સંસ્કારો સાથે જોડાયેલું આ શહેર આજે શિક્ષણ, ઉદ્યોગ અને ટેકનોલોજીના ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. નાના-મધ્યમ ઉદ્યોગોથી લઈને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ સુધી રાજકોટ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.

પરંતુ વિકાસ સાથે પડકારો પણ જોડાયેલા છે. વધતી વસતિ, ટ્રાફિકની સમસ્યાઓ, પર્યાવરણનું સંરક્ષણ અને સુવ્યવસ્થિત નગરયોજનાની જરૂરિયાત આજે સમયની માંગ બની છે. શહેરને આગળ વધારવામાં માત્ર નેતાઓ નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી એટલી જ મહત્વપૂર્ણ છે.

રાજકોટ રંગીલું શહેર છે. અહીંના લોકો મોજીલા અને ઉત્સાહી છે. જન્મદિવસના આ પ્રસંગે શહેરમાં ઉમંગ અને ગૌરવનો માહોલ છે, પરંતુ આ દિવસ માત્ર ઉજવણી માટે નથી, સંકલ્પ માટે પણ છે. દરેક નાગરિકે ઝાડ વાવેતર કરવાનો સંકલ્પ લેવો જોઈએ, ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ અને શહેરને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવા પોતાનો ફાળો આપવો જોઈએ.

આવો, આજે આપણે સૌ મળીને સંકલ્પ લઈએ કે આપણું રાજકોટ દેશના ટોપ શહેરોમાં સ્થાન મેળવે. વિકાસમાં પણ અને સંસ્કારમાં પણ.