Loading Please Wait !!!
માયાભાઈ, સ્ટેજ પર તાળી અપનારી પ્રજાને દુઃખ ન પહોંચાડો અપેક્ષા માત્ર એટલી જ

 

તંત્રી લેખ: અનિરુદ્ધ નફુમ

કલાકારને સમાજમાં હંમેશા ઊંચું સ્થાન મળ્યું છે. ખાસ કરીને કાઠિયાવાડના કલાકારો જેઓએ આ ધરતીની લોકકથા, સંસ્કૃતિ અને ભાષાનો અસલ રંગ જીવંત રાખ્યો છે. આજે જે નવી પેઢી “દાયરા” માં તાળી પાડે છે, શેર સાંભળે છે અને ભાવનામાં તરબોળ થાય છે, તે આ કલાકારોના પરિશ્રમ અને પ્રતિભાનો જ પરિચય છે. તેઓ માત્ર મનોરંજન નથી કરતા, પરંતુ સંસ્કૃતિને જીવંત રાખે છે. એ કારણે જ સમાજ તેમને માથા પર બેસાડે છે.

પરંતુ પ્રશ્ન ત્યારે ઊભો થાય છે, જ્યારે આ સ્ટેજ પર બેઠેલો કલાકાર પોતાની મર્યાદા ભૂલી જાય છે. શબ્દોમાં રહેલી મીઠાશની જગ્યાએ જો અહંકાર ઝળહળી ઊઠે, તો એ શબ્દો પ્રેરણા નહીં, પણ પીડા આપે છે. કાઠિયાવાડની ભાષામાં ખુમારી છે, પરંતુ એ ખુમારીમાં સંસ્કાર હોવા જોઈએ અહંકાર નહીં.

આજે કેટલાક પ્રસંગોમાં જોવામાં આવે છે કે કલાકાર પોતાના શબ્દોમાં એવા વાક્યો બોલી જાય છે, જે પ્રજાની લાગણીને ઠેસ પહોંચાડે છે. “ટેક્સ તમારો બાપ ભરે છે” જેવા વાક્યોમાં છુપાયેલું મનોભાવ ચિંતાજનક છે. શું આ એ જ ભાષા છે, જે કાઠિયાવાડની ઓળખ છે? શું આ એ જ સંસ્કૃતિ છે, જેને આપણે ગર્વથી આગળ ધપાવીએ છીએ?

યાદ રાખવું જોઈએ કે કોઈપણ કલાકાર પોતાની મહેનતથી આગળ વધે છે, પરંતુ તેને ઊંચે બેસાડનાર પ્રજા જ હોય છે. એ જ પ્રજા ટિકિટ ખરીદે છે, એ જ પ્રજા તાળી પાડે છે, એ જ પ્રજા તેને “સ્ટાર” બનાવે છે. એટલે પ્રજાનો અપમાન એટલે પોતાના અસ્તિત્વને પડકારવો.

કલાકાર સમાજનો અરીસો કહેવાય છે. તે જે બોલે છે, તે ઘણા લોકો માટે પ્રેરણા બને છે. એટલે તેની જવાબદારી સામાન્ય વ્યક્તિ કરતા ઘણી વધુ હોય છે. વડીલ કલાકારોએ તો ખાસ કરીને શબ્દોમાં સંયમ રાખવો જોઈએ, કારણ કે તેઓ યુવાનો માટે આદર્શ હોય છે.

આપણે સ્વીકારવું પડશે કે કાઠિયાવાડના કલાકારો આપણા માટે ગૌરવ છે, પરંતુ છતાં ઘણા ક્યારે જ થમકે, જ્યારે તે સાફ અને સંભાળેલું રહે. જો તેમાં અહંકારની ધૂળ ચડી જાય, તો એની ચમક ધીમે ધીમે ઓછી થવા લાગે છે.

પત્રકારો, લેખકો અને સામાન્ય લોકોબધા જ આ કલાકારોમાંથી કંઈક શીખે છે. તેમના શબ્દો, તેમના અંદાજ અને તેમની ભાષા સમાજમાં સુગંધ ફેલાવે છે. પરંતુ જ્યારે એ જ શબ્દો કડવાશ ફેલાવે, ત્યારે પ્રશ્નો ઉભા થવું સ્વાભાવિક છે.

અંતમાં એક સીધી વાતકલાકારે ક્યારેય પક્ષની નહીં, પરંતુ પ્રજાની ભાષા બોલવી જોઈએ. જ્યારે શબ્દોમાં પ્રજાનો માન હશે, ત્યારે કોઈ ટ્રોલ નહીં કરે, કોઈ વિરોધ નહીં કરે. કલાકાર પ્રજા હંમેશા સત્ય અને સન્માનને જ સ્વીકારે છે. કલાકારનું સાચું મહાનપણું તેની લોકપ્રિયતા નથી, પરંતુ તેની વિનમ્રતા છે. જો આ વાત સમજાઈ જાય, તો સ્ટેજ પરની તાળીઓનો ગડગડાટ ક્યારેય બંધ નહીં થાય.