Loading Please Wait !!!
બેંક કર્મચારીઓની માંગ સાફ 5-ડે બેન્કિંગ જ અમારી માંગ

‘હમારી માંગ જો માને નહીં વો સરકાર નિકમ્મી હૈ’ના નારા લાગ્યા
આજથી ત્રણ દિવસ બેંક બંધ રહેતા ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શન ઉપર અસર

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગુજરાત સહિત દેશભરમાં SBI, PNB અને યુનિયન બેંક સહિત સરકારી અને કેટલીક ખાનગી બેંક આજે ૧૧ સપ્ટેમ્બરથી ત્રણ દિવસ બંધ રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે (UFBU) બે વર્ષથી પડતર ૫-ડે વર્કિંગની માંગ સાથે આજે શુક્રવારે એક દિવસની હડતાલનું એલાન કર્યું છે. જે બાદ ૧૨ સપ્ટેમ્બરે મહિનો બીજો શનિવાર અને ૧૩ સપ્ટેમ્બરે રવિવાર હોવાથી બેંકી શાખાઓ બંધ રહેશે. જો સરકાર અને બેંક મેનેજમેન્ટે માંગણી ન સ્વીકારી, તો ૨૬ ઓક્ટોબરે દેશભરની બેંકમાં અનિશ્ચિતકાળની હડતાલ શરૂ થઈ જશે.

UFBU જોડાયેલા સંગઠનોએ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય ન લેતા ગુજરાતમાં પણ તેની મોટી અસર થઈ છે. રાજ્યમાં આશરે ૭૫ હજાર બેંક કર્મચારીઓ અને અધિકારીઓ હડતાલમાં સામેલ થઈ રહ્યા છે. લગભગ ૫,૪૦૦ બેંક શાખાઓની કામગીરી બંધ અથવા ખોરવાઈ છે. ૧૫,૦૦૦ કરોડના ટ્રાંઝેકશનને અસર થઈ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બેંક કર્મચારીઓ કામકાજ બંધ રાખીને હડતાલોમાં જોડાયા છે. અમદાવાદમાં તો લાલ દરવાજા પાસે બેંક કર્મચારીઓએ ‘૫- ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર

નિકમ્મી હૈ’ના નારા લગાવ્યા હતા. જ્યારે સુરતમાં કાળા કપડા પહેરી અને બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટ જિલ્લાની રાષ્ટ્રીયકૃત બેંકોના ૧૦,૦૦૦ કરતા વધુ અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ પાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પ્લે કાર્ડ દર્શાવી અને જોરદાર સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંજાબ નેશનલ બેંક ઓફિસર્સ એસોસિએશનના સર્કલ પ્રેસિડેન્ટ તુષાર ગોયલે જણાવ્યું હતું કે, ૫-ડે વર્કિંગ અને Performance Linked Incentive (PLI)નો વિરોધ છે. હાલમાં સરકારી બેંકોમાં ગ્રાહકોની સરખામણીએ કર્મચારીઓની પૂરતી ભરતી થતી નથી, જેથી પૂરતો સ્ટાફ ફાળવવામાં આવે તેવી પણ અમારી માંગ છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જતિન ધોળકિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવોદય કર્મચારીઓની પંશન યોજના, જૂનું પેન્શન અપડેશન, ગ્રેચ્યુઈટી કાયદા હેઠળની મહત્તમ મર્યાદામાં વધારો અને પેન્શન પર સમાન DA લાગુ કરવાની પડતર માંગણીઓ અંગે પણ યોગ્ય નિર્ણય લેવા રજૂઆત કરાઈ છે. જો કે ગ્રાહકોને પડતી અગવડ બદલ યુનિયન દ્વારા ખેદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બેંકમાં શનિ-રવિ રજાની માંગ સાથે હડતાલ કરી, કર્મીઓની માંગ સોમવારથી શુક્રવાર જ બેંક ચાલુ રાખવી