Loading Please Wait !!!
સેક્સ એજ્યુકેશન સમયની માંગ વિરોધ સૌથો મોટો ખતરો!

 

સ્કૂલોમાં સેક્સનું ભણતર: સુરક્ષિત અને સમજદાર પેઢી તરફનું પગલું

  • ગુડ ટચ-બેડ ટચ સમજાય; બાળકો સરળતાથી ખોટી હરકત ઓળખી શકે છે

  • જાતીય શોષણથી બચાવ: ખતરનાક પરિસ્થિતિમાં ‘ના’ કહેવાની હિંમત આવે છે

તંત્રી લેખ - અનિરુદ્ધ નાકુમ 

દેશમાં સેક્સ એજ્યુકેશનને લઈને ફરી ચર્ચા તેજ બની છે, પરંતુ સવાલ એ છે કે આપણે હજુ સુધી આ મુદ્દે એટલા સંકોચમાં કેમ છીએ? એક બાજુ જાતીય શોષણના કેસોમાં વધારો થઈ રહ્યો છે, કિશોરોમાં ગેરસમજ ફેલાઈ રહી છે, અને બીજી બાજુ આપણે “આ વિષય પર વાત ન કરવી” જેવી જૂની માન્યતાઓમાં જ ફસાયેલા છીએ. હકીકત એ છે કે સેક્સ એજ્યુકેશનનો વિરોધ ઘણી વખત અજ્ઞાનતા અને સંકોચમાંથી જન્મે છે. ઘણા લોકો આજે પણ માને છે કે આ શિક્ષણ બાળકોને ભટકાવશે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આજના સમયમાં બાળકોને માહિતી નથી મળી રહી? ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા મારફતે તેઓ અધકચરી અને ખોટી માહિતી તો મેળવી જ રહ્યા છે. ત્યારે યોગ્ય માર્ગદર્શન ન આપવું એ વધુ ખતરનાક નથી, કારણ કે જે જાતીય શોષણના વધતા બનાવો સ્પષ્ટ આપે છે કે બાળકોને “ગુડ ટચ-બેડ ટચ” જેવી મૂળભૂત સમજ આપવી હવે વિકલ્પ નથી, ફરજ છે, જે સમાજ બાળકોને સુરક્ષિત રાખવા માંગે છે, તે સમાજ આ મુદ્દે મૌન રહી શકતો નથી. મૌન હવે સમસ્યા છે, ઉકેલ નહીં. કિશોરાવસ્થામાં થતા ફેરફારોને લઈને અજ્ઞાનતા ઘણીવાર ગભરાટ અને ખોટા નિર્ણયો તરફ દોરી જાય છે. અનિચ્છનીય ગર્ભાવસ્થા હોય કે માનસિક તણાવ આ બધાનું મૂળ કારણ યોગ્ય માહિતીનો અભાવ જ છે. સેક્સ એજ્યુકેશન આ અંધકારમાં પ્રકાશ સમાન છે, જેને આપણે પોતે જ અટકાવી રહ્યા છીએ.

 સમાજના કેટલાક વર્ગો આ મુદ્દાને સંસ્કૃતિ સાથે જોડીને વિરોધ કરે છે, પરંતુ સવાલ એ છે કે શું બાળકોની સુરક્ષા અને સ્વસ્થ વિકાસ કરતા મોટી કોઈ સંસ્કૃતિ હોઈ શકે? સંસ્કૃતિનું નામ લઈને આંખ મીંચી લેવી એ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. કિશોરાવસ્થામાં થતા માનસિક ફેરફારોને સમજવા માટે પણ આ શિક્ષણ ખૂબ જરૂરી છે. યોગ્ય માહિતીના અભાવે ઘણી વખત ગેરસમજ, ગભરાટ અને ખોટા નિર્ણયો લેવામાં આવે છે. સેક્સ એજ્યુકેશન આ ગેરસમજોને દૂર કરીને બાળકોમાં આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વિકસાવે છે.

તેમ છતાં, સમાજના એક વર્ગમાં આ વિષયને લઈને હજુ પણ સંકોચ છે. કેટલાક લોકો માને છે કે આ પ્રકારનું શિક્ષણ બાળકોને વહેલી ઉંમરે ભટકાવી શકે છે. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે ઉંમરને અનુરૂપ અને સંવેદનશીલ રીતે આપવામાં આવેલ માહિતી બાળકોને ભટકાવતી નથી, પરંતુ તેમને વધુ સમજદાર અને સુરક્ષિત બનાવે છે.

આથી સ્પષ્ટ છે કે સેક્સ એજ્યુકેશન કોઈ વૈકલ્પિક વિષય નહીં, પરંતુ સમયની જરૂરિયાત છે. યોગ્ય રીતે અમલ કરવામાં આવે તો તે ભવિષ્યની પેઢીને વધુ જાગૃત, જવાબદાર અને સુરક્ષિત બનાવી શકે છે. હવે જરૂરી છે કે સમાજ સંકોચ છોડીને આ મુદ્દાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સ્વીકારે.