3 રૂપિયાની પાણીની બોટલ 8માં કેમ?
- ઉપરથી નીચે સુધી કરપ્શન: કોન્ટ્રાક્ટર હિસ્સો આપે તો જ બિલ પાસ થાય !
- સિસ્ટમમાં જ કરપ્શનનો ખેલ !
- મહાપાલિકાની સિસ્ટમ એટલી સડી ગઈ છે કે દરેક સ્તરે નક્કી દરે કમિશન લેવાય છે
- સિટી ન્યૂઝ@રાજકોટ
ટેન્ડર પ્રક્રિયા કાગળ પર પારદર્શક, પરંતુ હકીકતમાં ભ્રષ્ટાચારની જાળમાં ફસાયેલું એક કડવું સત્ય. નિયમ મુજબ ટેન્ડર બહાર પડે ત્યારે EMD અને સિક્યોરિટી ડિપોઝિટ ભરવાની હોય છે, અને ટેન્ડર ન મળે તો પૈસા પરત પણ મળે છે. પરંતુ એકવાર ટેન્ડર લાગ્યા પછી, કોન્ટ્રાક્ટર માટે શરૂ થાય છે ભ્રષ્ટાચારનો લાંબો અને કંટાળાજનક સફર.કામ મળ્યા બાદ માત્ર કામ કરવું પૂરતું નથી. “સિસ્ટમ”માં ગતિ લાવવા માટે દરેક સ્તરે સંકલન અને વ્યવહાર જરૂરી બને છે. સ્ટેન્ડિંગ કમિટીથી લઈને ચેરમેન સુધી ભાવ મંજૂર કરાવવા માટે દોડધામ અને અંદરની સમજણ રાખવી પડે છે. ત્યારબાદ વર્ક સ્તરે કામ શરૂ થાય છે, જ્યાં વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર, ડેપ્યુટી એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સુધીનો દોર ચાલે છે.
પરંતુ સૌથી મોટી સમસ્યા ત્યારે ઉભી થાય છે જ્યારે કામ પૂર્ણ થયા બાદ બિલ પાસ કરાવવાનું આવે છે. બિલ ક્લાર્કથી શરૂ કરીને ઓડિટ શાખા અને હિસાબી વિભાગ સુધીની પ્રક્રિયા એટલી લાંબી અને જટિલ છે કે જો “કમિશન” ન આપો, તો બિલ મહિનાઓ નહીં, વર્ષો સુધી અટવાઈ રહે છે.સિસ્ટમ એટલી સડી ગઈ છે કે દરેક સ્તરે નક્કી દરે કમિશન લેવાય છે. અધિકારીઓ માટે લગભગ ૩ ટકા, આસિસ્ટન્ટ એન્જિનિયર માટે ૧ ટકા, વર્ક આસિસ્ટન્ટ માટે ૦.૫ ટકા અને પછી ઓડિટ તથા એકાઉન્ટ વિભાગમાં અલગથી “સેટિંગ”. જો કોઈ કોન્ટ્રાક્ટર પૈસા આપવા ઈનકાર કરે, તો તેનું બિલ ૭ મહિના થી લઈને એક વર્ષ સુધી અટકાવવામાં આવે છે.
આ પરિસ્થિતિએ કોન્ટ્રાક્ટરોને મજબૂર કરી દીધા છે કે તેઓ ટેન્ડરમાં ભાવ વધારીને જ ભરવા પડે, કારણ કે તેમને પહેલાથી જ ખબર હોય છે કે આખી ચેનમાં “હિસ્સો” આપવો પડશે. પરિણામે, સામાન્ય નાગરિકને ૫ રૂપિયાની વસ્તુ માટે ૮ રૂપિયા ચૂકવવા પડે છે. આ માત્ર ભ્રષ્ટાચાર નથી. આ એક સંગઠિત લૂંટ છે, જ્યાં સિસ્ટમ પોતે જ દોષિત બની ગઈ છે. પ્રશ્ન એ છે કે, આ ગેરવહીવટ સામે જવાબદાર કોણ? અને આ ચક્ર ક્યારે તૂટશે?
-
અધિકારીઓ: 3%
-
આસિસ્ટન્ટ એન્જિનિયર: 1%
-
વર્ક આસિસ્ટન્ટ: 0.5%
-
ઓડિટ તથા એકાઉન્ટ વિભાગમાં અલગથી ‘સેટિંગ’ ?
જો કોઈ કોન્ટ્રાક્ટર પૈસા આપવા ઈનકાર કરે તો બિલ 7 મહિનાથી લઈને 1 વર્ષ સુધી અટકાવવામાં આવે છે.
બિલ પેન્ડિંગ બિલ અટકવાનું સમય: 7 મહિના થી લઈને 1 વર્ષ સુધી