Loading Please Wait !!!
ઉત્તર પ્રદેશના બલરામપુરમાં ક્લાસમાં બેઠેલી વિદ્યાર્થીનીનું રહસ્યમય મોત

 

  • ડિવાઇન પબ્લિક સ્કૂલમાં સોમવારે સવારે બની હૃદયદ્રાવક ઘટના

  • સીસીટીવી ફૂટેજમાં બાળકી અચાનક સીટ પરથી નીચે પડતી નજરે પડી

  • શિક્ષકોએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કરી

સિટી ન્યુઝ @ બલરામપુર (ઉત્તર પ્રદેશ)

ઉત્તર પ્રદેશના બલરામપુરમાં એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ક્લાસરૂમમાં બેઠેલી ધોરણ-2ની એક માસૂમ વિદ્યાર્થીનીનું અચાનક જ મોત નીપજ્યું હતું. આ ઘટના સોમવારે સવારે 11 વાગ્યાની આસપાસ ડિવાઇન પબ્લિક સ્કૂલમાં બની હતી, જ્યાં બાળકી અચાનક પોતાની બેઠક પરથી ઊભી થઈ અને થોડી જ સેકન્ડોમાં બેભાન થઈને નીચે પડી ગઈ હતી, જેનો સમગ્ર ઘટનાક્રમ સ્કૂલના સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયો છે.

બનાવ અંગે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સ્કૂલની બાજુમાંથી ગણેશ વિસર્જનનું જુલૂસ પસાર થઈ રહ્યું હતું અને તેમાં ફુલ વોલ્યુમમાં ડીજે વગાડવામાં આવી રહ્યો હતો. ડીજેના ભારે અવાજ અને ધડાકાને કારણે વર્ગખંડમાં બેઠેલા બાળકો પણ નાચવા લાગ્યા હતા અને આ જ અતિશય અવાજને કારણે બાળકીની તબિયત અચાનક બગડી ગઈ હોવાનું મેનેજમેન્ટે જણાવ્યું હતું.

ગુલહરિયા ગામના રહેવાસી અને હાલ બલરામપુરમાં ભાડે રહેતા સોનુ તિવારીની સાત વર્ષીય પુત્રી વૈષ્ણવી તિવારી સવારે નિયમિતપણે સ્કૂલે ગઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ સવારે લગભગ 10:58 વાગ્યે તે ક્લાસમાં અન્ય બાળકો સાથે હસી-ખુશી વાત કરી રહી હતી અને સંપૂર્ણપણે સામાન્ય દેખાઈ રહી હતી, પરંતુ થોડી જ ક્ષણોમાં તેની તબિયત લથડતાં તે સીટ પરથી નીચે ઢળી પડી હતી અને ફરી ઊભી થઈ શકી નહોતી.

ક્લાસ ટીચરની નજર પડતાં જ તેઓ દોડીને તરત જ તેની પાસે પહોંચ્યા હતા અને તેને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળતા સ્કૂલના સ્ટાફની મદદથી તેને તાત્કાલિક જિલ્લા મેમોરિયલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર ગિરધર ચૌહાણે જણાવ્યું હતું કે બાળકીને ઇમરજન્સીમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી, પરંતુ પરિવારજનોએ પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ મૃતદેહ લઈ જઈને સિદ્ધાર્થનગર ખાતે અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

ઘટના અંગે સિટી સીઓ અભિષેક સિંહે જણાવ્યું છે કે સોશિયલ મીડિયા દ્વારા આ મામલો ધ્યાને આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ કરવામાં આવી ન હોવા છતાં પોલીસ પોતાના સ્તરે સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

માસૂમ બાળકીના અચાનક મૃત્યુથી શોકનું મોજુ

શાળામાં અભ્યાસ કરતી વખતે બનેલી આ આકસ્મિક દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારના વાલીઓ અને નાગરિકોને હચમચાવી દીધા છે, અને તહેવારો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ તથા ભારે અવાજના નિયંત્રણ અંગે ગંભીર સવાલો ખડા કર્યા છે.