ગુજરાતના 11 તાલુકામાં માંડ 10 ઇંચ વરસાદ પણ ન પડ્યો
-
રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ નોંધાયો
-
દેવભૂમિ દ્વારકામાં સૌથી ઓછો 5.43 ઇંચ વરસાદ પડ્યો
-
સપ્ટેમ્બરના 22 દિવસમાં જ અંદાજે 5 ઇંચ વરસાદ વરસ્યો
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. અત્યારસુધી 31.78 ઇંચ સાથે રાજ્યમાં સિઝનનો સરેરાશ 88 ટકા વરસાદ વરસ્યો છે, છતાં હજુ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને 11 થી 12 તાલુકા એવા છે જ્યાં માંડ 10 ઇંચ જેટલો જ વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેડૂતો અને તંત્રમાં ચિંતાની સ્થિતિ પ્રવર્તી રહી છે.
વિવિધ જિલ્લાઓની સ્થિતિ પર નજર કરીએ તો 22 સપ્ટેમ્બરની સ્થિતિએ દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 72 ટકા, પોરબંદરમાં 63 ટકા, જામનગરમાં 48 ટકા, દાહોદમાં 40 ટકા, કચ્છ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 33 ટકા, જૂનાગઢમાં 31 ટકા તેમજ ગીર સોમનાથમાં 27 ટકા સાથે વરસાદની સૌથી વધારે ઘટ નોંધાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં અત્યારસુધીનો સૌથી ઓછો 5.43 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં વરસાદના વિતરણમાં અસમાનતા જોવા મળી છે, જ્યાં દક્ષિણ ગુજરાતના 20 તાલુકામાં 80 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે અને વિસ્તાર જળબંબાકાર બન્યો છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના 12 તાલુકામાં 10 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. મહિનાવાર આંકડા જોઈએ તો જૂન માસમાં માત્ર 1.50 ઇંચ, જુલાઈમાં 20.50 ઇંચ, ઓગસ્ટમાં 3.75 ઇંચ અને સપ્ટેમ્બરના 22 દિવસમાં અંદાજે 5 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 23 થી 24 સપ્ટેમ્બર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી ચોમાસું સત્તાવાર રીતે વિદાય લઈ લેશે. આ સાથે જ 25 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં સંપૂર્ણપણે સૂકું હવામાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, અને જામનગર તથા કચ્છ પંથકમાં વરસાદી વિરામની શરૂઆત થઈ ચૂકી છે.
ચોમાસાની આ અનિયમિત પેટર્નને કારણે કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ તો કેટલાક વિસ્તારો હજુ પણ પાણીની અછતનો સામનો કરી રહ્યા છે, જે આગામી સમયમાં ખેતી અને જળસંચયની દ્રષ્ટિએ મોટો પડકાર સાબિત થઈ શકે છે.
ચોમાસાની વિદાય અને વરસાદની અસમાન સ્થિતિ
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાના આંકડા સંતોષકારક દેખાયા હોવા છતાં જિલ્લાવાર અસમાન વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે, જે ભવિષ્યના આયોજન માટે વિચાર માંગી લે તેવી બાબત છે.