Loading Please Wait !!!
તહેવારો પહેલા મોંઘવારીમાં મોટી રાહત, ખાદ્ય તેલ સસ્તું થશે

 

  • નાણાં મંત્રાલય દ્વારા 24 સપ્ટેમ્બરથી નવા દરો લાગુ કરાયા

  • ક્રૂડ સોયા અને ક્રૂડ પામ ઓઇલ પરની ડ્યૂટી 5 ટકા થઈ

  • રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની ડ્યૂટી ઘટાડીને 22.5 ટકા કરાઈ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

તહેવારોની મોસમ પહેલા દેશની જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત આપતા કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો છે, જેના કારણે હવે દેશમાં ખાદ્ય તેલ સસ્તું થવાની પૂરી સંભાવના છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ આ નવા દરો તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યા છે, જેનાથી સામાન્ય ગ્રાહકોના રસોડાનું બજેટ હળવું થશે.

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયોમાં ક્રૂડ સોયા અને ક્રૂડ પામ ઓઇલ પરની આયાત ડ્યુટી 10 ટકાથી ઘટાડીને માત્ર 5 ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રિફાઇન્ડ સોયા અને રિફાઇન્ડ પામ ઓઇલ પરની ડ્યુટી 32.5 ટકાથી ઘટાડીને 27.5 ટકા કરવામાં આવી છે, જ્યારે સૌથી મોટો રાહતરૂપ નિર્ણય લેતા ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યૂટી 10 ટકાથી ઘટાડીને સીધી શૂન્ય કરી દેવાઈ છે.

આ સાથે જ રિફાઇન્ડ સૂર્યમુખી તેલ પરની કસ્ટમ્સ ડ્યૂટી પણ 32.5 ટકાથી ઘટાડીને 22.5 ટકા કરવામાં આવી છે. આ તમામ કર ઘટાડાથી ખાદ્ય તેલોના આયાત ખર્ચમાં ભારે ઘટાડો થવાની આશા છે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને કિંમતોમાં રાહત સ્વરૂપે મળી શકશે, જોકે તેનો પૂરો લાભ સપ્લાય ચેઇન દ્વારા ગ્રાહકો સુધી કેવી રીતે પહોંચે છે તે મહત્ત્વનું રહેશે.

ભારતીય બજારમાં વિવિધ તેલોની માંગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવાયું છે, જ્યાં પામ તેલ સૌથી સસ્તું હોવાથી હોટલ, ઢાબા અને નમકીન ઉદ્યોગમાં વપરાય છે, જ્યારે સોયાબીન તેલ હલકું હોવાથી ભારતીય ઘરોમાં રોજિંદા ભોજન માટે સૌથી લોકપ્રિય છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાં સરસવનું તેલ અને ગુજરાત તેમજ દક્ષિણ ભારતમાં મગફળીના તેલનો મોટા પાયે ઉપયોગ થાય છે.

શહેરી વિસ્તારોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો સૂર્યમુખી તેલનો બહોળો ઉપયોગ કરતા હોવાથી સૂર્યમુખી તેલ પરની ડ્યૂટી નાબૂદ થવાથી મધ્યમ વર્ગને મોટી રાહત મળશે. તહેવારો ટાણે લેવાયેલા આ જનહિતના નિર્ણયથી બજારમાં તેલના ભાવ નિયંત્રણમાં રહેશે તેવી આશા છે.

તહેવારોમાં ગ્રાહકો માટે રાહતના સમાચાર

સરકાર દ્વારા આયાત શુલ્કમાં કરવામાં આવેલા આ ઘટાડાથી બજારમાં ખાદ્ય તેલના ભાવ સ્થિર થશે અને સામાન્ય નાગરિકો તહેવારોની ઉજવણી વધુ સારી રીતે કરી શકશે.