Loading Please Wait !!!
ભારત-પાકિસ્તાન જેવા સંઘર્ષો ઉકેલવામાં વૈશ્વિક સંસ્થાઓ નિષ્ફળ: અમેરિકાનો આરોપ

 

  • ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન રુબિયોએ આપ્યું નિવેદન

  • થાઈલેન્ડ-કંબોડિયા અને આફ્રિકાના સંઘર્ષોનો પણ ઉલ્લેખ કર્યો

  • ટ્રમ્પના મધ્યસ્થી દાવા વચ્ચે ભારતનું વલણ હંમેશાં મક્કમ રહ્યું છે

સિટી ન્યુઝ @ ન્યૂયોર્ક 

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે વર્તમાન આંતરરાષ્ટ્રીય સિસ્ટમ તૂટી ગઈ છે અને વિશ્વમાં મોટા સંઘર્ષોને પહોંચી વળવા માટે પૂરતી અસરકારક આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો અભાવ છે. ન્યૂયોર્કમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંભવિત તણાવ, થાઈલેન્ડ-કંબોડિયા વચ્ચેની અથડામણો તેમજ આફ્રિકાના વિવિધ સંઘર્ષોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે વૈશ્વિક તંત્ર પોતાના મૂળ ઉદ્દેશ્યથી ભટકી ગયું છે.

માર્કો રુબિયોએ સ્વીકાર્યું હતું કે જો આવા વિવાદો ઉકેલવા માટે સક્ષમ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા હોત તો તે ઉત્તમ બાબત ગણાત, પરંતુ સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓ પોતાની ક્ષમતા મુજબ પરિણામ આપવામાં નિષ્ફળ રહી છે અને અધિકારક્ષેત્રની બહારની બાબતોમાં ગૂંચવાઈ ગઈ છે. મોટાભાગના દેશો પણ આ વાત સાથે સહમત છે કે આંતરરાષ્ટ્રીય સિસ્ટમ યોગ્ય રીતે કામ નથી કરી રહી અને તેને ફરીથી પોતાના વાસ્તવિક ફોકસ પર લાવવી પડશે.

ચોખવટ કરતા તેમણે ઉમેર્યું હતું કે આ કોઈ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા પરનો હુમલો નથી, પરંતુ અંતે જ્યાં સુધી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં છે ત્યાં સુધી અમેરિકા હંમેશાં પોતાના રાષ્ટ્રીય હિતમાં જ પગલાં ભરશે, નહીં કે કોઈ આંતરરાષ્ટ્રીય ઓર્ડરના હિતમાં. અમે ક્યારેય યુએસના હિતોથી ઉપર વૈશ્વિક વ્યવસ્થાને સ્થાન આપીશું નહીં.

આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે તેના એક દિવસ અગાઉ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને થાળે પાડવામાં મદદ કરી હતી. જોકે, ભારતે હંમેશાં આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ રાખ્યું છે કે બંને દેશો વચ્ચેની સમજૂતી કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી વિના, માત્ર બંને દેશોના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) વચ્ચેની સીધી વાતચીત બાદ જ શક્ય બની હતી.

ભારતનું આ મક્કમ વલણ રહ્યું છે કે તમામ દ્વિપક્ષીય મુદ્દાઓ પર પરસ્પર સંવાદથી જ ઉકેલ આવે છે, અને વૈશ્વિક નેતાઓના દાવાઓ છતાં ભારત પોતાની વિદેશનીતિમાં સ્વતંત્ર નિર્ણય લેવા સક્ષમ છે.

વૈશ્વિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધો

અમેરિકાના આ આકરા નિવેદનો અને વૈશ્વિક સંસ્થાઓની ભૂમિકા સામેના સવાલો ભવિષ્યની કૂટનીતિક રણનીતિઓ અને આંતરરાષ્ટ્રીય મંચો પર મોટા બદલાવો લાવવામાં નિમિત બની શકે છે.