Loading Please Wait !!!
ભોજાવદર ગામે જુગાર રમતા 11 શખસ રંગેહાથ ઝડપાયા

 

  • ઉમરાળા પોલીસ ટીમને મળી હતી ચોક્કસ બાતમી

  • ભોજાવદર ગામની સીમમાં ખરાબાની જગ્યામાં ચાલતો હતો જુગાર

  • ગોળકુંડાળું વળીને જુગાર રમી રહેલા શસ્રો ઝડપાયા

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ભોજાવદર ગામે કાળુભાર નદીના સામા કાંઠે ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતાં 11 શખ્સોને પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને રંગેહાથ ઝડપી લીધા છે. પોલીસની આ અચાનક કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો અને પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબ્જે કરીને તમામ આરોપીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉમરાળા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ભોજાવદર ગામની સીમમાં કાળુભાર નદીના સામા કાંઠે આવેલ ખરાબાની જગ્યામાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત આયોજન કરીને સ્થળ પર અચાનક રેઈડ પાડી હતી.

પોલીસની રેઈડ દરમિયાન જાહેર જગ્યામાં ગોળકુંડાળું વળીને જુગાર રમી રહેલા તમામ 11 શખ્સો પોલીસ પકડમાં આવી ગયા હતા અને કોઈને ભાગવાની તક મળી ન હતી. પોલીસે પકડેલા આરોપીઓમાં પરશોતમ કાળાભાઈ પરમાર, જયપાલસિંહ નિરુભા ગોહિલ, મહેશ ધનજીભાઈ મીઠાપરા, નાનજી ગોબરભાઈ બગદરીયા, રમેશ મનજીભાઈ ચૌહાણ, રમેશ કરશનભાઈ પરમાર, સુમીત અશોકભાઈ બગદરીયા, શંભુ સામતભાઈ મકવાણા, સુરપાલસિંહ નિરુભા ગોહિલ અને મનજી બિજલભાઈ પરમાર સહિતના શખ્સો સામેલ છે, જે તમામ ભોજાવદરના જ રહેવાસી છે.

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડ રૂ. 20,600 અને જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. પકડાયેલા તમામ 11 શખસો સામે જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ કેસમાં વધુ પૂછપરછ તથા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સ્થાનિક પોલીસ દ્વારા સતત વોચ રાખીને સખત પગલાં લેવામાં આવી રહ્યા છે, જેથી સામાજિક શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે.

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી

જુગાર જેવી સામાજિક બુરાઈઓ સામે પોલીસનું આ સક્રિય પગલું સ્થાનિક સ્તરે ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અત્યંત આવશ્યક સાબિત થાય છે.