Loading Please Wait !!!
બે વિષયની બેઠકો વધારવા વિદ્યાર્થી નેતાની માંગ

સરકારી કોલેજમાં ઈતિહાસ-અંગ્રેજી વિષયની બેઠકો ઘટાડવાનો વિવાદ

પ્રિન્સિપાલ પર મનમાનીનો આક્ષેપ; પ્રશ્નો ઉકેલ નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચીમકી

સિટી ન્યૂઝ@રાજકોટ

પડધરી સ્થિત કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં ઈતિહાસ અને અંગ્રેજી વિષયની બેઠકો ઘટાડવામાં આવી હોવાનો આક્ષેપ કરી વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ તેનો વિરોધ નોંધાવ્યો છે. તેમણે આ નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનો દાવો કરી બેઠક વિષયમાં તાત્કાલિક બેઠકો વધારવાની માંગ કરી છે.

નિખિલ ભોજાણીના જણાવ્યા મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઈતિહાસ અને અંગ્રેજી મહત્વના વિષયો હોવા છતાં નવા શૈક્ષણિક વર્ષમાં છ બેઠકો રાખવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે અગાઉ પણ આ બંને વિષયમાં પ્રવેશ મર્યાદિત કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને અન્ય વિષયમાં પ્રવેશ લેવા માટે દબાણ કરાયું હતું. તેમના જણાવ્યા મુજબ આ નિર્ણયથી અનેક વિદ્યાર્થીઓને ઈચ્છિત વિષયમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.

વિદ્યાર્થી નેતાએ વધુમાં દાવો કર્યો કે કોલેજમાં જરૂરી ફેકલ્ટીની અછત અંગે રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી. આ મુદ્દે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ સાથે ટેલિફોનિક તેમજ રૂબરૂ રજૂઆત કરી હોવાનું જણાવ્યું છે. ઉપરાંત સ્વાગત પોર્ટલ મારફતે મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરાતા ખાલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.

નિખિલ ભોજાણીએ પ્રિન્સિપાલની નિયમિત હાજરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે અને RTI હેઠળ માંગેલી માહિતી સંપૂર્ણ આપવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે કોલેજના સંચાલનમાં પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે જેથી વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી શકે.

વિદ્યાર્થીઓના હિતમાં ઈતિહાસ અને અંગ્રેજી વિષયની બેઠકોમાં વધારો કરવામાં આવે તથા કોલેજનું સંચાલન નિયમિત કરવામાં આવે તેવી માંગ સાથે તેમણે ચેતવણી આપી છે કે પ્રશ્નો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને જરૂર પડશે તો ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે વિદ્યાર્થીઓના હિત માટે અંત સુધી લડત ચાલુ રાખવામાં આવશે.