Loading Please Wait !!!
રાજકોટનું કપલ સિમલા ફરવા ગયું: ઝઘડો થયો પતિ પત્નિને મૂકી રાજકોટ આવી ગયો

કોર્ટ ખાતે સમાધાન માટે બોલાવી ઢીકાપાટુનો માર માર્યો: વકીલ પતિ સામે પત્નીની ફરિયાદ

 સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ કોર્ટ કેમ્પસમાં જ વકીલ પતિએ પત્ની પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. શિમલા ફરવા ગયા ત્યારે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થયા બાદ પરિણીતાને શિમલા મૂકી પતિ રાજકોટ આવી ગયો હતો. બાદ સમાધાન અર્થે કોર્ટ ખાતે બોલાવી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવતી. પોલીસે વકીલ પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના રૈનનગર માં જાડેજા ચોક નજીક રહેતા ૨૯ વર્ષીય પરિણીતા શિતલબેન પાટડીયાએ પતિ દીપેશભાઈ નવનીતભાઈ પાટડીયા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ૧૫ દિવસ પહેલા પતિ સાથે શિમલા તથા મનાલી ફરવા ગઈ હતી ત્યાં બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી જેથી પતિ તેણીને શિમલા જાતે એકલી મૂકી રાજકોટ પરત આવી ગયેલ હતા. બાદ તા.૨૫ ના સવારના દશોક વાગ્યે તેણી ઘરે પરત આવેલ હતી. તેમના પતિ મોરબી રોડ ઉપર રાજલક્ષી સોસાયટી ખાતે રહે છે બાદ ગઈકાલે એટલે કે મંગળવારે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ પતિએ વોટસએપ કોલ કરી કહેલ કે, આપણી વચ્ચે શિમલા ખાતે થયેલી બોલાચાલી-ઝઘડાનું સમાધાન કરી નાખીએ અને બંને પતિ-પત્ની સાથે છીએ. જે બાબતે વાતચીત કરવા પતિએ નવી કોર્ટ, રાજકોટ ખાતે બોલાવી હતી. જે પતિને મળવા કોર્ટ ખાતે ગયેલ હતી.

બંને કોર્ટના પાર્કિંગમાં વાતચીત કરતા હતા. ત્યારે પતિ તેના ફોનમાં સાથે વિડિયો ઉતારતા હતા. જેથી તેણીએ પણ ફોનમાં વિડિયો ઉતારવાનું ચાલુ કરતા પતિ ઉશ્કેરાય ગયેલ અને ગાળો આપવા લાગેલ હતો બાદ મારે કામ છે તેમ કહી ત્યાંથી પોતાનું બાઈક લઈને જતો હતો. જેથી તેણીએ બાઈકમાંથી ચાવી કાઢી લેતા પતિ ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતા. જેથી રાડાડાડી થતા માણસો ભેગા થઈ જતા વધુ મારમાથી બચાવી હતી બાદ જો તારા કે મારા પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરીશ તો હું તારા ટાટીયા ભાંગી જાનથી મારી નાખીશ તેમ કહી પતિ જતો રહ્યો હતો. પરિણીતાએ સારવાર લઈ યુનિવર્સિટી પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.