હાઈકોર્ટ ખખડાવી રહી હતી સરકારે ઈનામ આપ્યું: DCP નકુમને IPS પ્રમોશન !
સુરત નાસીરનગર ડિમોલિશન વિવાદમાં નામ ઉછળ્યું હતું
-
રાજકોટના ડીસીપી ઝોન-2 રાકેશ દેસાઈને IPS બઢતી
-
ગુજરાત કેડરના 6 અધિકારીઓ IPS નોમિનેટ થયા
સિટી ન્યૂઝ@સુરત
સુરતના નાસીરનગર ડિમોલિશનના વિવાદમાં આવેલા ડીસીપી રાજદીપસિંહ નકુમને આઈપીએસ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જો કે હાઈકોર્ટે ૨૫ જૂને ભૂતિયા ડિમોલિશન મામલે પૂછ્યું હતું કે, તમે કેમ હાજર હતા. જેના ૭ દિવસમાં જ સરકારે શિરપાવ આપી પ્રમોશન આપ્યું છે. આમ એક બાજુ હાઈકોર્ટ ખખડાવી રહી હતી તો બીજી બાજુ સરકારે તો શિરપાવ જ આપી દીધો. આ ઉપરાંત ભરતકુમાર રાઠોડ, પ્રફુલ વાણીયા, રાજેશકુમાર પરમાર, કલ્પેશ ચાવડા, રાકેશ દેસાઈને પ્રમોશન આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગુજરાત પોલીસ સેવા છ અધિકારીઓને Select List-૨૦૨૬ હેઠળ ભારતીય પોલીસ સેવા (IPS) માં પ્રમોશન આધારે નિયુક્તિ આપતી સત્તાવાર અધિસૂચના જાહેર કરવામાં આવી છે. આ અધિકારીઓને ગુજરાત કેડરમાં એક વર્ષના પ્રોબેશન પર નિયુક્ત કરવામાં આવશે અને ત્યારબાદ જરૂરી ઇન્ડક્શન ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
તંત્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર તમામ અધિકારી એક વર્ષ સુધી પ્રોબેશન પર રહેશે અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી સહિતના નિર્ધારિત કાર્યક્રમો હેઠળ ઇન્ડક્શન ટ્રેનિંગ પૂર્ણ કરશે. નાસીરનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં ૨૫ જૂને યોજાયેલી સુનાવણીમાં અરજદારના વકીલ દ્વારા કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોઈપણ નોટિસ, રજૂઆતની તક કે પંચનામા વગર સુરતના નાસીર નગરમાં SMC દ્વારા ૧૫૦થી વધુ મકાનો ૩૦ મેના રોજ તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે પૂછ્યું હતું કે, જો ડિમોલિશન SMC એ નથી કર્યું તો ત્યાં તેના કર્મચારીઓ શું કરતા હતા?, તેમની સામે શું પગલાં લેવામાં આવ્યા છે?
સુરત શહેર પોલીસ કમિશનરે ફરિયાદ અપાઈ તો તે ફરિયાદ લીધી કેમ નહીં?, આ અધિકારીઓ ડિમોલિશન સ્થળે ઉપસ્થિત હતા?, અરજદારે ડિમોલિશન સ્થળે હાજર પોલીસ કર્મચારીઓના નામ છે હોદ્દા કેમ નથી જણાવ્યા? અરજદારે જણાવ્યું હતું કે, ત્યાં સુરત SOGના DCP રાજદીપસિંહ નકુમ હાજર હતા. કોર્ટે પૂછ્યું હતું એક તેમના સામે અરજીમાં આક્ષેપ ક્યાં છે? આ અરજીમાં ઘણા ખાનગી વ્યક્તિઓને જોડવામાં આવ્યા છે, તેમની સામે આક્ષેપ ક્યાં છે? ક્યાં આધાર ઉપર કોર્ટ અધિકારીઓને જવાબ આપવા બોલાવે!
નાસિરનગર ડિમોલિશનમાં હાઈકોર્ટનો સવાલ
એક મહિનો વીતી ગયો પોલીસ ફરિયાદ કેમ નથી લેતી: હાઈકોર્ટ
સરકાર કેમ એક્ટિવ નથી: તપાસ કમિટીનો રિપોર્ટ: ભીનું સંકેલવાનો પ્રયાસ
સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા ગેરકાયદે ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થયા બાદ આજે (૨ જુલાઈ) સુનાવણી યોજાઈ હતી. વિવાદિત ડિમોલિશન સમયે પોલીસ અધિકારીઓ અને સુરત મનપા અધિકારીઓની હાજરીને લઈ કોર્ટે આકરી ટીપ્પણી કરી હતી. સાથે રાજ્ય સરકારની જવાબદારીને લઈ પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આમાં રાજ્ય કેમ એક્ટિવ નથી. વિવાદિત ડિમોલિશનની તપાસ માટે ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારી હેઠળ સ્થાયેલી તપાસ કમિટીને લઈ પણ સવાલ ઉઠાવ્યો હતો. પોલીસની કામગીરીને લઈ કોર્ટે કહ્યું હતું કે, ડીસીપી કક્ષાના અધિકારી ઘટનાસ્થળે હાજર હતા તો તેને ડિમાર્કેશન અને ડિમોલિશનના ભેદની ખબર ન પડી? ડિમોલિશન થયાના એક મહિના બાદ પણ પોલીસે ફરિયાદ કેમ નથી લીધી? DCP બોલ્યા હશે કે હાઈકોર્ટમાં જવું તો જાવ તે સાબિત થશે તો કાર્યવાહી થશે. સાથે સવાલ કરતા કહ્યું કે, લોકોનું ઘર તોડી નાખવું એ ફોજદારી ગુનો નથી? હાઈકોર્ટે ટૉરેન્ટ પાવરને પૂછ્યું હતું કે, વીજળી કનેક્શન ડિમોલિશન પહેલા કાપ્યું કે ત્યાં પહોંચ્યા પછી? ટૉરેન્ટ પાવરે જણાવ્યું હતું કે, SMC સેન્ટ્રલ ઝોનમાંથી શૈલેષભાઈ નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે, SMCના જે ૫ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા તેમાં તેનું નામ છે? જેનો જવાબ નકારમાં મળ્યો હતો. કોર્ટે આ શૈલેષભાઈની ઓળખ અંગે પૂછ્યા કરી હતી. તેમની પાસે તેઓનો મોબાઈલ નંબર છે, ટૉરેન્ટ પહોંચી ત્યારે ડિમોલિશન ચાલુ હતું, વીજ પ્રવાહ પણ ચાલુ હતો. પછી મુખ્ય જંકશન બોક્ષમાંથી વીજ પ્રવાહ બંધ કરાયો હતો. ટૉરેન્ટ પહોંચ્યું ત્યારે ૧૮ મીટર તૂટેલા હતા, ૧૧ યોગ્ય પરિસ્થિતિમાં નહોતા, ૪ મીટર ચાલુ કરાયા અને ૦૭ વીજ કનેક્શન ચાલુ થઈ શક્યું નહોતું.