સૌરાષ્ટ્રમાં ડીઝલનો `કટોકટીકાળ' ટ્રાન્સપોર્ટથી લઈને ખેડૂત સુધી અસર
=> જનતા બેકાબૂ : હાઈ-વે પર વાહનો આડા રાખી વિરોધ
=> 1 લી જૂનથી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ઠપ્પ થવાની શક્યતા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ઈરાન-અમેરિકા વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિના કારણે ક્રુડની સપ્લાય પર માઠી અસર પડી છે. જે હવે રાજ્યના પેટ્રોલ પંપ પર પણ દેખાવા લાગી છે. પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરાયા બાદ પણ પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો મળતો ન હોવાની ફરિયાદો ઉઠી છે. અમરેલી અને મોરબી સહિતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેને પગલે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો છે.
40 ડિગ્રી ગરમીમાં ટ્રક-ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે. તેમજ કેટલીક જગ્યાએ ખેડૂતો કેરબા લઈને પણ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા છે. રાજુલા-સાવરકુંડલા રોડ પર ખેડૂતોએ ટ્રેક્ટરો આડા ધરીને ચક્કાજામ કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પેટ્રોલ પંપો પર વહેલી સવારના 4 વાગ્યાથી જ ટ્રેક્ટરોની 1-1 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે.
બીજી તરફ કચ્છના પોર્ટ પર લોડિંગ-અનલોડિંગ બંધ કરવાની ચેતવણી અપાઈ છે. ઇંધણ મેળવવા માટે ટ્રક ચાલકોને કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, જેના કારણે માલ પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને વેપાર-ઉદ્યોગ પર સીધી અસર પડી રહી છે. કચ્છ સહિત રાજ્યના ટ્રાન્સપોર્ટ સંગઠનોની ગાંધીધામ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિર્ણય લેવાયો કે જો ટૂંક સમયમાં ડીઝલ સપ્લાય સામાન્ય નહીં બને તો 1 જૂન, 2026થી તમામ ટ્રાન્સપોર્ટ વાહનો અને મશીનરી સ્વૈચ્છિક રીતે બંધ રાખવામાં આવશે. સાથે જ IOC, BPCL, HPCL સહિત ઓઈલ કંપનીઓ અને વહીવટી તંત્ર સાથે તાત્કાલિક બેઠક કરવાની માંગ પણ ઉઠી છે. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઊંટગાડી લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. પ્રજા અને ખેડૂતોને પડતી હાલાકીને વાચા આપવા માટે તેમણે મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઝીંકાયેલા તોતિંગ વધારા સામે પાંચ દિવસ પહેલાં વિપક્ષ કોંગ્રેસે પાટણમાં રણશિંગુ ફૂંક્યું હતું.