ભાજપના જીતેલા ઉમેદવારે ચૂંટણી સોગંદનામામાં સત્ય છૂપાવ્યું ?
=> અમરેલીના શેલણા જિલ્લા પંચાયતની સીટ પર ચૂંટણી લડી હતી
=> પ્રકાશ પાનસૂરિયા સામે 15 દિવસમાં પગલાં નહીં લેવાય તો હાઈકોર્ટમાં: વિનોદ બગડા
સિટી ન્યૂઝ@અમરેલી
અમરેલી જિલ્લાના શેલણા બેઠકના જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ હિંમતભાઈ પાનસુરીયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. વાંશિયાળી ગામના રહેવાસી વિનોદભાઈ દેવશીભાઈ બગડાએ સત્તાવાળાઓને અરજી આપી સભ્યપદ રદ કરવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજી મુજબ, વાંશિયાળી ગામની સર્વે નં. ૨૬૫ પૈકી ૨ વાળી શ્રી સરકાર જમીન પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. જમીન મહેસૂલ કાયદાની કલમ ૬૮ હેઠળ આ જમીન સરકાર હસ્તક કરવાની કાર્યવાહી થઈ હોવા છતાં કબજો યથાવત રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે, સભ્યશ્રીએ ચૂંટણી દરમિયાન આપેલા સોગંદનામામાં આ જમીન અંગેની વિગતો જાણીજોઈને છુપાવી છે, જે ચૂંટણી નિયમોનો ભંગ ગણાય છે. ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ, સરકારી જમીન પર કબજો જાળવી રાખતા ચૂંટાયેલા પ્રતિનિધિ નૈતિક રીતે હોદ્દા પર રહેવા લાયક નથી. આ મામલો પંચાયત રાજ કાયદા અને લોકશાહી મૂલ્યો સામેનો ભંગ ગણાયો છે.
ગુજરાત પંચાયત અધિનિયમની કલમ ૩૦ અને ૫૭ મુજબ, સરકારી જમીન પર દબાણ કરનાર વ્યક્તિ સભ્યપદે રહી શકતી નથી. આથી, સત્તાવાળાઓને તાત્કાલિક સભ્યપદ રદ કરવાની માંગ ઉઠી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, જો 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવામાં આવશે.