પુલવામા હૂમલાનો માસ્ટરમાઈન્ડ 'નીચ' હમઝા 'ઠાર'
=> પુલવામાં હૂમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા
=> PoKમાં આતંકવાદી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યાં
=> ભારતે 2022માં હમઝાને આતંકવાદી જાહેર કર્યો હતો
સિટી ન્યૂઝ@ઇસ્લામાબાદ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પુલવામા આતંકવાદી હુમલામાં સામેલ આતંકવાદી હમઝા બુરહાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. એવું કહેવાય છે કે PoKના મુઝફ્ફરાબાદમાં અજાણ્યા હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવીને અનેક ગોળીઓ ચલાવી હતી. હમઝાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભારતે 2022માં હમઝા બુરહાનને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ UAPA હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. તેને 2019ના પુલવામા આતંકવાદી હુમલાના કાવતરાખોરોમાંનો એક માનવામાં આવતો હતો. આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.
ભારતથી પાકિસ્તાન ગયો, પછી આતંકવાદી સંગઠન સાથે જોડાયો સરકારના મતે, અર્જુમંદ ગુલઝાર ડાર ઉર્ફે હમઝા બુરહાન ઉર્ફે ડોક્ટર પુલવામાના રત્નીપોરા વિસ્તારનો રહેવાસી હતો. 23 વર્ષનો હમઝા, આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે જોડાયેલો હતો. અલ બદ્રને સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
સરકારી દસ્તાવેજો મુજબ તે કાયદેસર રીતે પાકિસ્તાન ગયો હતો. ત્યાં જઈને તે અલ બદ્રમાં સામેલ થઈ ગયો અને બાદમાં સંગઠનનો સક્રિય આતંકવાદી અને કમાન્ડર બની ગયો. હાલ તે પાકિસ્તાનથી જ કામ કરી રહ્યો હતો. તેના પર આરોપ છે કે તે યુવાનોને અલ બદ્રમાં સામેલ થવા માટે ઉશ્કેરે છે અને સંગઠનની આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ પણ પૂરું પાડે છે. તપાસ એજન્સીઓ અનુસાર તે પુલવામામાં વિસ્ફોટક જપ્તીના કેસો, 18 નવેમ્બર 2020ના રોજ CRPF જવાનો પર થયેલા ગ્રેનેડ હુમલા અને યુવાનોને આતંકવાદી સંગઠનમાં ભરતી કરાવવા જેવી ગતિવિધિઓમાં સામેલ રહ્યો છે. હમઝા બુરહાન લાંબા
સમયથી પાકિસ્તાન અને PoKમાં સક્રિય હતો. બુરહાન મુઝફ્ફરાબાદની AIMS કોલેજની બહાર માર્યો ગયો. તે અબુ દુજાના, અબુ કાસિમ, બુરહાન વાની અને ઝાકિર મૂસાનો નજીકનો સહયોગી હતો.
પુલવામામાં આતંકવાદીઓને ટ્રેનિંગ આપતો હતો હમઝા
પુલવામા હુમલા બાદ પણ હમઝા શાંત બેઠો નહોતો. તે PoKના કેમ્પમાં રહીને પાકિસ્તાની આતંકીઓને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે આધુનિક હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપતો હતો. આ સિવાય સરહદી વિસ્તારોમાંથી ભારતમાં આતંકીઓની ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવાની જવાબદારી પણ આ જ હમઝા બુરહાન સંભાળતો હતો.