ગૌરક્ષા મુદ્દે ફરી ગરમાવો: માતા માનો છો તો દરજ્જો આપો
=> મૌલાનાએ સરકારને આપી ચેતવણી ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરો !
=> રાજકીય શું મજબૂરી છે? જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
ગૌહત્યા અને ગૌરક્ષાના નામે દેશમાં અવારનવાર વિવાદો અને હિંસાની ઘટનાઓ સામે આવતી રહે છે, આ મુદ્દે હવે જમિયત ઉલેમા-એ-હિંદના પ્રમુખ મૌલાના અરશદ મદનીએ બુધવારે (૨૦ મે, ૨૦૨૬) સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, તેમણે ગાયને ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવાની પોતાની જૂની માંગને ફરીથી દોહરાવતા સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે દેશની મોટી વસ્તી ગાયને પવિત્ર માનીને ‘માતા’નો દરજ્જો આપે છે, તો પછી તેને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં સરકારની કઈ રાજકીય મજબૂરી આડી આવી રહી છે? મદનીએ સ્પષ્ટ કહ્યું કે જો ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરાશે તો મુસ્લિમોને કોઈ વાંધો નહીં હોય, બલ્કે તેમને ખુશી થશે કે ગાયના નામે થતા મોબ લિંચિંગ અને નિર્દોષો પર હુમલા બંધ થશે. મૌલાના મદનીએ આક્ષેપ કર્યો છે કે ગાયનો મુદ્દો હવે માત્ર એક રાજકીય અને ભાવનાત્મક મુદ્દો બની ગયો છે,
કેટલાક લોકો જાણીજોઈને ગૌહત્યાની અફવાઓ ફેલાવે છે અને પશુ તસ્કરીના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવે છે. સતત ફેલાવાતા જૂઠાણાને કારણે મુસ્લિમોની છબી એટલી ખરડાઈ ગઈ છે કે સમાજનો મોટો વર્ગ તેમને ‘ગાય વિરોધી’ માનવા લાગ્યો છે, અને આ જ માનસિકતા મોબ લિંચિંગનું મુખ્ય કારણ છે. પોતાની વાતને આગળ વધારતા મદનીએ કહ્યું કે, અગાઉ મોટી સંખ્યામાં મુસ્લિમો ગાય પાળતા હતા અને તેના દૂધનો વેપાર પણ કરતા હતા, પરંતુ ૨૦૧૪ પછી દેશમાં જે નફરતનો માહોલ ઊભો થયો છે, તેના કારણે મુસ્લિમો ડરી ગયા છે અને સાવચેતી રાખી રહ્યા છે.
હવે મોટાભાગના મુસ્લિમો ગાયને બદલે ભેંસ ઉછેરવાનું વધુ સુરક્ષિત માને છે. તેમણે યાદ અપાવ્યું કે જમિયત ઉલેમા-એ-હિંદ હંમેશા મુસ્લિમોને એવી કોઈ પણ પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપે છે જેનાથી અન્ય ધર્મોની લાગણીઓ દુભાય, કારણ કે ઇસ્લામ પણ પરસ્પર આદર શીખવે છે. UCC (યુનિફોર્મ સિવિલ કોડ) ની ચર્ચા વચ્ચે મદનીએ ગૌમાંસના કાયદા પર સરકારના બેવડા ધોરણો પર સવાલ ઉઠાવ્યા.