ભાજપના મંત્રીઓને સરકારી કારનો મોહ છૂટ્યો નહીં
=> PM મોદીની અપીલ ભાજપના મંત્રીઓ જ માનતા નથી !
=> છેલ્લા 5 વર્ષમાં સરકારી વાહનોમાં ઈંધણ પાછળ 847 કરોડ ખર્ચ્યા
સિટી ન્યૂઝ@અમરેલી
મીડલ ઈસ્ટમાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિના કારણે ક્રુડની સપ્લાય ચેનને ભારે અસર પડી છે. ક્રુડના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદીએ દેશવાસીઓને કરકસરપૂર્વક પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરવા અપીલ કરી છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કારપુલિંગનો ઉપયોગ કરવા અપીલ કરી છે. પીએમની અપીલની ગુજરાતના મત્રીઓ પર કેવી અસર થઈ છે તેનું ભાસ્કરે રિયાલિટી ચેક કરતા કારપુલિંગની અપીલનો ઉલાળિયો થતો જોવા મળ્યો હતો. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટ બેઠકમાં રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડીયા, કુવંરજી બાવળિયા, ઋષિકેશ પટેલ સહિતના 18 નેતાઓ કારમાં એકલા જ આવ્યા હતા. છેલ્લાં 5 વર્ષમાં ગુજરાતના સરકારના 12 વિભાગોએ સરકારી વાહનોમાં પેટ્રોલ-ડીઝલ પાછળ 847 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, એટલે કે મહિને સરેરાશ 14.12 કરોડ અને રોજનું 47 લાખ રૂપિયાના પેટ્રોલ-ડીઝલનો વપરાશ.
PM મોદીની અપીલની ગુજરાતના મંત્રીઓ અને નેતાઓ પર કેવી અસર થઈ છે તેનું દિવ્ય ભાસ્કરે રિયાલિટી ચેક કરતા પીએમની અપીલનો ઉલાળિયો થતો જોવા મળ્યો. ગાધીનગરમાં મળેલી કેબીનેટ બેઠક દરમિયાન મુખ્યમંત્રી ઘટાડી દેવાયેલા કાફલા સાથે આવ્યા હતા. જ્યારે હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા પુલિંગ કારમાં આવ્યા હતા. ઉપરાંત પ્રવીણ માળી, પ્રદ્યુમન વાજા અને સંજયસિંહ મહિડા ઇલેક્ટ્રિક કારમાં પહોંચ્યા હતા. જો કે, 18 મંત્રીઓ સિંગલ સિંગલ એક જ કારમાં આવ્યા હતા.
ગાંધીનગરમાં મંત્રી નિવાસથી સ્વર્ણિમ સંકુલ વચ્ચે અંદાજે માત્ર 3 કિલોમીટરનું અંતર હોવા છતાં મોટા ભાગના મંત્રીઓએ કાર પુલિંગનો વિકલ્પ અપનાવ્યો નહોતો. ખાસ કરીને સોમવારથી બુધવાર દરમિયાન મોટાભાગના મંત્રીઓ ગાંધીનગર
સ્થિત મંત્રી નિવાસમાં જ રોકાતા હોય છે અને તમામ મંત્રીઓના બંગલા નજીક-નજીક આવેલા હોવા છતાં તેઓ અલગ-અલગ સરકારી અથવા ખાનગી ગાડીઓમાં એકલાં જ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા.
18 મંત્રીઓ કાર લઈને એકલા આવ્યા
=> ઋષિકેશ પટેલ, ઊર્જામંત્રી
=> કનુ દેસાઈ, નાણામંત્રી
=> મનીષા વકીલ, મહિલા અને બાળકલ્યાણ મંત્રી
=> ત્રિકમ છાંગા, રાજ્યકક્ષાના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી
=> જયરામ ગામિત, રાજ્યકક્ષાના રમતગમત મંત્રી
=> નરેશ પટેલ, આદિજાતિ વિકાસ મંત્રી
=> પ્રફુલ પાનસેરિયા, આરોગ્ય મંત્રી
=> પી.સી.બરંડા, રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી
=> કુંવરજી બાવળિયા, શ્રમ અને રોજગારમંત્રી
=> રીવાબા જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રી
=> કાંતિ અમૃતિયા, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી
=> કમલેશ પટેલ, રાજ્યકક્ષાના નાણામંત્રી
=> રમણ સોલંકી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી
=> દર્શના વાઘેલા, શહેરી વિકાસ રાજ્યમંત્રી
=> અર્જુન મોઢવાડીયા, વન અને પર્યાવરણ મંત્રી
=> સ્વરૂપજી ઠાકોર, રાજ્યકક્ષાના ખાદી અને ગ્રામદ્યોગ મંત્રી
=> રમેશ કટારા, કૃષિ રાજ્ય મંત્રી
=> ઈશ્વરસિંહ પટેલ, પાણી પુરવઠા મંત્રી