જૂનથી સ્કૂલો ઓનલાઈન ફરી શરૂ થવાની ચર્ચા ?
=> પેરેન્ટ્સ સાવધાન; જો યુધ્ધ ચાલુ રહેશે તો સ્કૂલ સિસ્ટમમાં મોટો બદલાવ શક્ય
=> સ્કૂલવાન-બસ ભાડામાં 10% વધારાની શક્યતા
=> ઓનલાઈનના બદલે સ્કૂલો એક શિફ્ટમાં ચાલી શકે ?
સિટી ન્યૂઝ@ગાંધીનગર
પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક જ અઠવાડિયાની અંદર બીજી વખત વધારો થયો છે એને કારણે દૂધ, બ્રેડ અને શાકભાજી એમ એક પછી એક બધી વસ્તુના ભાવ વધી રહ્યા છે ત્યારે પેરન્ટ્સના માથે પણ સ્કૂલ-બસની ફીમાં વધારાનું સંકટ તોળાઈ રહ્યું છે. ઉનાળાનું વેકેશન પૂરું થવા આવ્યું છે અને જૂનમાં સ્કૂલો શરૂ થશે. એવામાં રાજ્યની સ્કૂલો દ્વારા બસ-ફીમાં વધારો કરવામાં આવે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિશે માહિતી આપતા મુંબઈ સ્કૂલબસ અસોસિએશનના અધ્યક્ષ અનિલ ગર્ગે જણાવ્યું હતું કે 'ઈંધણના ભાવ પર દર અઠવાડિયે નજર રાખવી પડે છે
એવી પરિસ્થિતિ છે ત્યારે ફીમાં કેટલો વધારો થશે એ તો કહી ન શકાય, પરંતુ જો પેટ્રોલ-ડીઝલના દર પાંચ રૂપિયા કરતાં વધુ વધારાય તો એ પ્રમાણે ફીમાં વધારો કરવામાં આવશે.' ઉલ્લેખનીય છે કે પહેલાં પેટ્રોલ-ડીઝલના દરમાં સરેરાશ ૩ રૂપિયાનો અને ત્યાર પછી બુધવારે સરેરાશ ૯૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. સ્કૂલ-બસની ફીમાં વધારો ન થાય એ માટે સ્કૂલ ઑથોરિટીઝ અને અસોસિએશન દ્વારા તમામ વિકલ્પો ધ્યાનમાં લેવાઈ રહ્યા હોવાનું જણાવતાં અનિલ ગર્ગે કહ્યું હતું કે ઑફલાઇન-ઑનલાઇન ક્લાસિસ રાખવા, સવાર અને બપોર એમ બે શિફ્ટને બદલે સ્કૂલનો સમય એક જ વખતનો રાખવો એ વિશે પણ વિચાર ચાલી રહ્યો છે.
બસના ડ્રાઇવરોને કોરોના વખતની જેમ જ આવી પરિસ્થિતિમાં પણ પગાર મળી રહે એની ખાતરી કરવા અસોસિએશન તત્પર હોવાનું પણ અનિલ ગર્ગે જણાવ્યું હતું..સિંઘાનિયા સ્કૂલ્સનાં ડિરેક્ટર રેવતી શ્રીનિવાસને જણાવ્યું હતું કે 'અમે એપ્રિલ મહિનાથી જ સ્કૂલ-બસની ફીમાં વધારાનો બોજો પેરન્ટ્સ પર ન આવે એ માટે હાઇબ્રિડ સ્કૂલિંગ, ઑનલાઇન સિસ્ટમ જેવા વિકલ્પો વિશે વિચારી રહ્યા છીએ.' પેરન્ટ્સ ટીચર્સ અસોસિએશન (PTA) યુનાઇટેડ ફોરમ ઍન્ડ એજ્યુકેશનિસ્ટનાં પ્રેસિડન્ટ અરુંધતી ચવાણે કહ્યું હતું કે 'પેરન્ટ્સને પહેલેથી જ ઘણી બાબતની ચિંતા છે એટલે સ્કૂલ-બસની ફીમાં વધારા માટે પણ ગંભીરતાથી વિચારવું પડશે. હજી ફક્ત ફીમાં વધારાની વાત થઈ રહી છે એટલે આગળ શું થાય છે એ જોવું રહ્યું.'
પેટ્રોલમાં કરકસર કરવી હોય તો સ્કૂલ બસ-વાનમાં બ્રેક મારવી જરૂરી ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાની સીધી અસર સ્કૂલ-બસની ફી પર પણ પડી શકે છે. ઉનાળાનું વેકેશન પૂરું થતાં જૂનમાં શાળાઓ ફરી શરૂ થશે ત્યારે સ્કૂલો દ્વારા બસ-ફીમાં વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે ૪ રૂપિયાનો વધારો થયો છે આ ભાવ વધારાને કારણે માલ પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રો પર મોટી અસર પડશે. છેલ્લા કેટલાક દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વારંવાર વધારો જોવા મળ્યો છે. ઉદાહરણ તરીકે, ૧૫ મેના રોજ પેટ્રોલ અને ડીઝલમાં ૩ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો ત્યારબાદ, ૧૯ મેના રોજ ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૯૦ પૈસાનો વધારો થયો આ વધારાને કારણે પેટ્રોલનો ભાવ ૧૦૨.૪૩ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૯૫.૯૭ રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે.
મુંબઈમાં, પેટ્રોલનો ભાવ ૯૧ પૈસાના વધારા સાથે ૧૦૭.૫૯ પ્રતિ લિટર અને ડીઝલનો ભાવ ૯૪ પૈસાના વધારા સાથે ૯૪.૦૮ પ્રતિ લિટર થયો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં ચાલી રહેલી વધઘટ અને પશ્ચિમ એશિયામાં વધતા લશ્કરી તણાવને કારણે આ ભાવ વધારો થયો છે.
ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ હેઠળ મોટા ફેરફારની શક્યતા
ધો.1થી 8માં પાસ કે નાપાસ નહીં ?
હવે સર્વાંગી મૂલ્યાંકન આધારિત પરિણામપત્રક અપાશે: શિક્ષણ વિભાગે શરૂ કરી તૈયારીઓ
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા નવી શિક્ષણ નીતિ હેઠળ એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર કરવાની વિચારણા ચાલી રહી છે.આ નવા બદલાવ અંતર્ગત આગામી સમયમાં ધોરણ 1 થી 8 ના પરિણામપત્રકના માળખામાં વ્યાપક સુધારા કરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણના સ્તરે હવે પરંપરાગત રીતે આપવામાં આવતા પાસ કે નાપાસના પરિણામને સ્થાને વિદ્યાર્થીઓનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવશે અને તે આધારે જ નવું પરિણામપત્રક તૈયાર કરીને આપવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આ નવી પ્રણાલીને અમલમાં મૂકવા માટેની તમામ જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નવો નિર્ણય વિદ્યાર્થીઓ પરથી પરીક્ષા અને પરિણામનું માનસિક દબાણ ઘટાડવા તેમજ તેમના સર્વાંગી વિકાસ ને પ્રોત્સાહિત કરવા માટે લેવામાં આવી રહ્યો હોવાનું મનાય છે.