Loading Please Wait !!!
કેન્સરની બે મહત્વની દવાઓ મોંઘી થશે, કેન્દ્ર સરકારે ભાવ વધારાને આપી મંજૂરી

  • કાચા માલના ભાવ વધતા સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ઉત્પાદન ખર્ચમાં મોટો ઉછાળો
  • હોસ્પિટલોમાં સપ્લાય ખોરવાતા દવાની કિંમતો વધારવા NPPAને મળી સૈદ્ધાંતિક મંજૂરી
  • ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અપીલ બાદ જનહિતમાં પેરા 19 હેઠળ લેવાશે આખરી નિર્ણય

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

 કેન્દ્ર સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)ને કેન્સરની અત્યંત મહત્વની દવાઓ સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનના ભાવ વધારવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બીજી તરફ, આ જીવનરક્ષક દવાઓની ભારે અછતને કારણે હાલ સમગ્ર દેશની હોસ્પિટલોમાં સપ્લાય ચેઇનમાં મોટો અવરોધ ઊભો થયો છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ (DoP) એ NPPAને સત્તાવાર પત્ર લખીને આ ભાવ વધારા માટે ડ્રગ્સ પ્રાઇસ કન્ટ્રોલ ઓર્ડર (DPCO) ના પેરા 19 હેઠળ મંજૂરી આપી છે. પ્રાઇસિંગ ઓથોરિટી આગામી 2 દિવસમાં આ અંગે અંતિમ નિર્ણય લઈ શકે છે, જેનાથી બજારમાં આ દવાઓ ફરી ઉપલબ્ધ બનશે.

સરકાર અને NPPAને કાયદાનો પેરા 19 અસામાન્ય પરિસ્થિતિઓમાં જનહિતમાં કોઈ પણ દવાની મહત્તમ કિંમત કે રીટેલ કિંમતમાં ફેરફાર કરવાનો વિશેષ અધિકાર આપે છે. આ પગલું ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની એ લાંબા સમયની અપીલો પછી ભરવામાં આવ્યું છે, જેમાં કેન્સરની આ બે દવાઓની કિંમતમાં એક વખત વધારો કરવાની માંગ કરાઈ હતી. ઉત્પાદક કંપનીઓનો તર્ક છે કે વર્તમાન કિંમતો પર તેનું ઉત્પાદન કરવું હવે આર્થિક રીતે જરાય લાભપ્રદ રહ્યું નથી. ડીઓપીના સેક્રેટરી મનોજ જોશીએ જણાવ્યું હતું કે, સરકાર બધી જરૂરી દવાઓની કિંમતમાં એકસાથે વૃદ્ધિ કરવા પર વિચાર નથી કરી રહી, પરંતુ તે કેટલાક એવા ખાસ કેસોની તપાસ કરી રહી છે જેમાં ઉત્પાદન ખર્ચમાં ખૂબ જ મોટો વધારો થયો છે.

વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, કેન્સરની આ દવાઓમાં ઉપયોગમાં લેવાતા પ્લેટિનિયમની આંતરરાષ્ટ્રીય કિંમતમાં લગભગ 250% નો જંગી વધારો થયો છે, જેના કારણે સ્થાનિક સ્તરે અછત સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિનનો ઉપયોગ ઓવેરિયન, સર્વાઇકલ, બ્રેસ્ટ, ફેફસા, મોં, માથું, ગરદન, બ્લેડર અને ટેસ્ટિકુલરના કેન્સરની સારવારમાં મોટા પાયે 'ફર્સ્ટ લાઇન કીમોથેરાપી' દવાઓ તરીકે કરવામાં આવે છે. આ દવાઓના ભાવ વધવાના કારણે કેન્સરના દર્દીઓ માટે સારવારનો ખર્ચ ચોક્કસપણે વધશે, પરંતુ તેની સામે દેશભરની હોસ્પિટલોમાં દવાઓનો સપ્લાય ફરી પૂર્વવત થઈ જશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

દર્દીઓ માટે સારવાર મોંઘી પણ દવાઓ ઉપલબ્ધ બનશે કેન્સરની કીમોથેરાપીમાં વપરાતી મુખ્ય દવાઓનો સપ્લાય ઠપ થઈ જતાં દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. કાચા માલ એટલે કે પ્લેટિનિયમના ભાવ 250% વધતા કંપનીઓએ ઉત્પાદન બંધ કરવાની ચેતવણી આપી હતી. હવે સરકારે કિંમતો વધારવાની મંજૂરી આપતાં આગામી દિવસોમાં દવાની કૃત્રિમ અછત દૂર થશે, જોકે સારવારનો ખર્ચ વધશે.