વધુ ઇથેનોલવાળા પેટ્રોલ પર કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણ નાબૂદ કરી
ક્રૂડ ઓઇલની આયાત ઘટાડવા માટે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, પેટ્રોલ થશે સસ્તું
E20 પેટ્રોલમાં રાહત નહીં, પરંતુ તેનાથી વધુ મિશ્રણ ધરાવતા ફ્યુઅલ પર મોટો ફાયદો
પેટ્રોલિયમ સેક્ટરમાં આત્મનિર્ભરતા તરફ પગલું, પ્રદૂષણ ઘટાડવામાં મળશે મોટી મદદ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી: દેશમાં ગ્રીન એનર્જી અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે એક અત્યંત મહત્વનો આર્થિક નિર્ણય લીધો છે. નવી નીતિ અનુસાર, સરકાર હવે 22% થી લઈને 30% સુધી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર કોઈ પણ પ્રકારની એક્સાઈઝ ડ્યુટી વસૂલશે નહીં. જોકે, વર્તમાનમાં ઉપલબ્ધ E20 એટલે કે 20% ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર આ પ્રકારની કોઈ નવી રાહત આપવામાં આવી નથી. કેન્દ્ર સરકારે દેશમાં ક્રૂડ ઓઈલ એટલે કે કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઈંધણના વપરાશને વેગ આપવા માટે આ મોટું પગલું ભર્યું છે.
સરકારના આ મહત્વકાંક્ષી નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની તેલ આયાત પાછળ ખર્ચાતા અબજો ડોલરના વિદેશી હૂંડિયામણને બચાવવાનો છે. ભારતે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ અન્ય દેશોમાંથી આયાત કરવું પડે છે, જેના કારણે સરકારી તિજોરી પર ભારે બોજ પડે છે. પેટ્રોલમાં 22% થી 30% સુધી ઇથેનોલનું મિશ્રણ કરવાથી કાચા તેલની જરૂરિયાતમાં મોટો ઘટાડો નોંધાશે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે કૃષિ કચરો અને શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન વધવાથી ભારતીય ખેડૂતોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા સેવાઈ રહી છે.
આ નવી ટેક્સ મુક્તિથી ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ મોટા બદલાવ આવશે અને કંપનીઓ વધુ ઇથેનોલ ક્ષમતાવાળા એન્જિન બનાવવા તરફ આગળ વધશે. સામાન્ય ગ્રાહકો માટે આ નિર્ણય લાંબે ગાળે ખૂબ ફાયદાકારક સાબિત થશે, કારણ કે ડ્યુટી ફ્રી હોવાને કારણે આ બળતણ સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું મળી રહેશે. ઇથેનોલના કારણે વાહનોમાંથી નીકળતા કાર્બન ઉત્સર્જનમાં પણ મોટો ઘટાડો થશે, જે મેટ્રો શહેરોમાં પ્રદૂષણની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
દેશ અને સામાન્ય જનતાને થશે બમણો ફાયદો પેટ્રોલમાં વધુ માત્રામાં ઇથેનોલ બ્લેન્ડિંગ કરવાથી પર્યાવરણને નુકસાન કરતા ઝેરી વાયુઓનું પ્રમાણ ઘટશે. આ બળતણ પર ટેક્સ ન લાગવાના કારણે તે સસ્તું મળશે, જેથી વાહન ચાલકોના ખિસ્સાનો બોજ હળવો થશે. સાથે જ દેશમાં મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત ઘટવાથી ભારત આર્થિક રીતે વધુ મજબૂત અને આત્મનિર્ભર બનશે.