Loading Please Wait !!!
રાજકોટનું પનીર ખાવાલાયક નહીં?

હેલ્થ એલર્ટ : વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે

મહાલપાલિકાની ફૂડ શાખાએ પનીરમાં ભેળસેળનો પર્દાફાશ કર્યો

636 કિલો જથ્થાનો નાશ : ત્રણ પેઢીઓને સીલ કરાઈ

 પનીરમાં બ્લુ, કાળા ડાઘ અને દુર્ગંધ

  • આરોગ્ય માટે ગંભીર જોખમ

  • ભેળસેળી પનીરથી કેન્સરનું જોખમ વધે

  • ખાદ્ય સુરક્ષા વિભાગની કાર્યવાહી

 સ્વાસ્થ્ય સાથે ખિલાડ નહીં ચાલે !

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત આરોગ્ય ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમોએ ત્રણેય ઝોનમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન પનીર અને મલાઈનું ઉત્પાદન તેમજ વિતરણ કરતી ત્રણ મોટી પેઢીઓમાં ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને ભેળસેળ જોવા મળતા આ ત્રણેયને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ જુદી-જુદી ખાણી-પીણીની દુકાનોમાં સઘન ચેકિંગ કરીને કુલ ૬૩૬ કિલો જેટલા અખાદ્ય જથ્થાનો નાશ કરીને હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ફૂડ વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ, લાતી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને કોઠારિયા મેઈન રોડ જેવા વિસ્તારોમાં આવેલી પનીર અને ડેરી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફૂગવાળી મલાઈ અને શંકાસ્પદ પનીરનો સંગ્રહ મળી આવતા તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી.આ કામગીરીમાં પ્રથમ પેઢી ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટસ, જે લાતી પ્લોટ શેરી નંબર ૪, રાજકોટ ખાતે આવેલી છે, ત્યાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ પેઢીમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ વચ્ચે કામગીરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાંથી પનીર લૂઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાઈજીનની ગંભીર ક્ષતિઓ બદલ આ પેઢીને રૂ. ૫૦૦૦ નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પ્રિમાયસિસને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યું છે.બીજી મોટી કાર્યવાહી ૧૫૦ ફૂટ રીંગ રોડ પર સોમનાથ ૩, શેરી નંબર ૧ ખાતે આવેલી શ્રીરામ ડેરી પર કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે જ્યારે તપાસ કરી ત્યારે ચોકાવનારા સંગ્રહ કરવામાં આવેલી મલાઈમાં મોટા પ્રમાણમાં ફૂગ વળેલી જોવા મળી હતી, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતી. ટીમે ત્યાંથી મલાઈ અને પનીરના સેમ્પલ મેળવ્યા હતા. ત્યારબાદ અંદાજિત રૂ. ૧,૭૫,૦૦૦ ની બજાર કિંમત ધરાવતી ૫૦૦ કિલોગ્રામ જેટલી ફૂગવાળી મલાઈનો લૂઝ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ અખાદ્ય મલાઈને મહાનગરપાલિકાના SWM વાહનમાં ભરીને સ્થળ પર જ નાશ કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગુના બદલ શ્રીરામ ડેરીને રૂ. ૫૦૦૦ નો દંડ કરવામાં આવ્યો હતો અને પેઢીના પ્રિમાયસિસને પણ સીલ મારી દેવાયું છે. ત્રીજી પેઢી શ્યામ ડેરી પ્રોડક્ટ છે, જે વિવેકાનંદ નગર શેરી નંબર ૯, કોઠારિયા મેઈન રોડ, રાજકોટ ખાતે આવેલી છે. અહીં તપાસ દરમિયાન પનીર એનૅલોગનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. આ ડેરીમાં પણ આરોગ્યપ્રદ નિયમોનું પાલન ન થતું હોવાથી તેને રૂ. ૫૦૦૦ નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો અને આ પ્રિમાયસિસને પણ ત્વરિત ધોરણે સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.