157 દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ
સિટી ન્યૂઝ 1 વર્ષથી કહે છે તંત્ર હવે જાગ્યું !
પેરાસિટામોલ, દુઃખાવાની ડિક્લોફેનેક, ઉધરસ માટે ડેક્સટ્રોમેથોર્ફન સિરપ, ગેસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની અત્યંત જરૂરી ગણાતી દવાઓ પણ છે
સિટી ન્યૂઝ@રાજકોટ
કેન્દ્ર સરકારની દવા નિયામક સંસ્થા CDSCO ની તપાસમાં મે ૨૦૨૬ દરમિયાન ૧૫૭ દવાઓના સેમ્પલ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થયા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દર મહિને બજારમાં ઉપલબ્ધ દવાઓના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ કરે છે, જેમાં મે મહિનાની તપાસ દરમિયાન આ ૧૫૭ દવાઓ નક્કી કરાયેલા ધોરણો પર ખરી ઉતરી નથી.
લેબોરેટરી તપાસમાં સામે આવ્યું છે કે, કેટલીક દવાઓમાં જરૂરી ડ્રગ સોલ્ટનું પ્રમાણ યોગ્ય નહોતું, જ્યારે કેટલીક દવાઓમાં ડ્રગ કોમ્બિનેશન જ ખોટું હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે દર્દીઓને અપાતી સારવારની અસરકારકતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે, જે દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે, તે દેશના લગભગ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાતી સામાન્ય દવાઓ છે. આ યાદીમાં તાવ માટે લેવાતી પેરાસિટામોલ, દુખાવા માટેની ડિક્લોફેનેક, ઉધરસ માટેનું ડેક્સટ્રોમેથોર્ફન સિરપ, શ્વાસની તકલીફમાં વપરાતું ટિયોટ્રોપિયમ ઈન્હેલર તેમજ ગેસ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અત્યંત જરૂરી ગણાતી દવાઓ પણ છે.
આ તપાસમાં માત્ર ગોળીઓ જ નહીં પરંતુ હોસ્પિટલો અને ઘરોમાં ઉપયોગમાં લેવાતી અન્ય આરોગ્યસંબંધિત સામગ્રી જેવી કે ડિહાઈડ્રેશનમાં અપાતું ORS, સર્જિકલ સ્પિરિટ, હેન્ડ સેનિટાઈઝર, બેન્ડેજ અને કોટન વુલ જેવા ઉત્પાદનો પણ ધોરણ મુજબના ન હોવાનું સામે આવ્યું છે, જેમાં કેટલીક જાણીતી અને મોટી ફાર્મા કંપનીઓનો પણ સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૨૬ ના આંકડા પર નજર કરીએ તો, જાન્યુઆરીમાં ૨૧૮, ફેબ્રુઆરીમાં ૨૧૭, માર્ચમાં ૧૯૦, એપ્રિલમાં ૧૨૧ અને મે મહિનામાં ૧૫૭ દવાઓના સેમ્પલ ફેલ થયા છે, જેના લીધે હવે દર્દીઓના સ્વાસ્થ્યની સુરક્ષા અને આવી કંપનીઓ સામે કડક કાર્યવાહીને લઈને ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
-
રાજકોટમાં 'રામભરોસે' મેડિકલ સ્ટોર્સ !
-
ડુપ્લિકેટ દવાઓના વેંચાણમાં રાજકોટ કેમિસ્ટ એસો. જાગ્યુ
-
રાજકોટમાં ગેરકાયદે મેડિકલનું મસમોટું કૌભાંડ
-
બજારમાં ઘૂસી 167 નકલી દવાઓ
-
નકલી દવાઓ બજારમાં વેંચાઈ રહી છે
-
સહી બાતમાં સૌથી આગળ સિટી ન્યૂઝ: નકલી દવા વેંચતા માફિયાઓને અમે છોડશું નહી, હજુ બાજ નજર તો રહેશે જ !