Loading Please Wait !!!
પ્રવેશૌત્સવ પૂરો, પણ પુસ્તકો વગર ભણે છે વિદ્યાર્થીઓ

સરકારી-ખાનગી સ્કૂલોમાં હજુ 50% પાઠ્યપુસ્તકો પહોંચ્યા નથી

20 દિવસથી પુસ્તકો નથી

ધારાસભ્યો પ્રવેશૌત્સવમાં ટનાટન તૈયાર થઈને ગયા હતા; પણ તમારા બાળક પાસે પુસ્તકો નથી !

  • અભ્યાસ શરૂ થયાને 20 દિવસ જેટલો સમય વીતી ગયો

  • વિદ્યાર્થીઓ નોટબુક કે જૂના પુસ્તકોના સહારે ભણે છે

  • વાલીઓ અને શિક્ષકોમાં રોષ અને ચિંતા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ સહિત રાજ્યભરમાં તારીખ ૨૩ થી ૨૫ જૂન સુધી પ્રગતિના પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં અલગ- અલગ રૂટ મુજબ અધિકારી, પદાધિકારીઓએ બાલવાટિકા, ધોરણ ૧, ૯ અને ૧૧માં વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપીને પ્રવેશ અપાવ્યો હતો. પરંતુ પ્રવેશોત્સવ પૂર્ણ થયો છતા હજુ રાજકોટમાં વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તક વિહોણા છે. ખાસ કરીને માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિકમાં પુસ્તકો આવ્યા નથી. ધોરણ ૯ થી ૧૨ એ બોર્ડ અને કરિયરની દ્રષ્ટિએ મહત્વના વર્ષો છે. પુસ્તકો વિના અભ્યાસક્રમ પૂરો કરવો વિદ્યાર્થીઓ માટે મોટો પડકાર બન્યો છે.

વિશેષ વાત એ છે કે, રાજકોટ જિલ્લાના પ્રવેશોત્સવમાં અનેક મહાનુભાવો પણ જોડાયા હતા. માધ્યમિક વિભાગના અધિકારી હોવા છતા તેમને માત્ર બાળકોને શૈક્ષણિક કિટ આપી ફોટોસેશન પૂર્ણ કર્યું હતું. આમ, ભાર વગરના ભણતરની વાતો વચ્ચે રાજકોટ જિલ્લામાં પુસ્તક વગરનું ભણતર ચાલી રહ્યુ છે. વહેલી તકે, પુસ્તકો આવે એવી માંગ ઉઠી છે.રાજકોટ જિલ્લામાં પુસ્તકો આવ્યા નથી એવી શાળાઓમાંથી કોઈ માહિતી મળી નથી. પરંતુ ડીઈઓ કચેરીમાંથી માહિતી મુજબ રાજકોટના બે- ત્રણ તાલુકામાં પુસ્તકો આવી ગયા છે. ખાસ તો પાઠ્યપુસ્તક મંડળમાંથી જ પુસ્તકોનું પ્રિન્ટિંગ અને સપ્લાય થતી હોય છે. જ્યાંથી થોડા દિવસોમાં રાજકોટ જિલ્લાની તમામ શાળાઓમાં આવી જશે. હાલ છાત્રો જૂના પાઠ્યપુસ્તક, બુક બેંકમાંથી અભ્યાસ કરી રહ્યા છે એવી માહિતી મળી છે.